06, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
4653 |
દિલ્હી પોલીસે સીસીટીવી ફૂટેજના આઘારે તપાસ હાથ ધરી
ઐતિહાસિક દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં બુધવારે આયોજિત ધાર્મિક સમારોહમાંથી લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરાઈ ગયું હતું. આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ચકચાર મચી હતી. પીડિત ઉદ્યોગપતિ સુધીર જૈને કોતવાલી પોલીસ સ્ટેશનમમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને વહેલીતકે તેને ઝડપી લેવાનું કહ્યું હતુ.
પ્રાપ્ત વિગતો મુજબ, લાલ કિલ્લા પરિસરમાં 15 ઓગસ્ટ પાર્કમાં 28 ઓગસ્ટથી જૈન ધર્મ સાથે સંબંધિત ધાર્મિક વિધિ ચાલી રહી છે, જે 9 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ માટે એક ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં ફક્ત ધોતી-કુર્તા પહેરેલા અને પરવાનગી ધરાવતા લોકોને જ બેસવાની મંજૂરી હતી. સિવિલ લાઇન્સના રહેવાસી ઉદ્યોગપતિ સુધીર જૈન દરરોજ પૂજા માટે પોતાના ઘરેથી એક કિંમતી કળશ લાવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ કળશ 760 ગ્રામ સોનાથી બનેલું છે અને 150 ગ્રામ હીરા, માણેક અને નીલમણિથી શણગારેલું છે.
કોતવાલી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું કે, એક શંકાસ્પદ વ્યક્તિ ઘણા દિવસોથી ધોતી-કુર્તા પહેરીને સ્થળ પર ફરતો હતો. તે આયોજકો અને ભક્તો સાથે ભળી ગયો અને પરિસ્થિતિનો લાભ લઈને સ્ટેજ પર પહોંચ્યો. પોલીસને ઘટના સ્થળના કેટલાક સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિઓના આધારે તપાસ હાથ ધરી છે.