દિલ્હી-

પહેલેથી જ ખસ્તાહાલ પાકિસ્તાનની ઈકોનોમીને હવે ગધેડાઓનો સહારો મળી રહ્યો છે. આ મજાકમાં કે કટાક્ષમાં કહેવાતી વાત નથી પણ હકીકત છે.પાકિસ્તાનમાં ચાલી રહેલી મંદી વચ્ચે અહીંયા ગધેડાની વસતી વધીને ૩ લાખ થઈ છે. જાેકે ગધેડાઓના કારણે ઈકોનોમીને કેવી રીતે મદદ મળી શકે તે સવાલનો જવાબ એ છે કે, ચીન મોટા પાયે પાકિસ્તાન પાસેથી ગધેડાઓ ખરીદી રહ્યુ છે. ચીનની પરંપરાગત સારવાર પધ્ધતિના કારણે ગધેડાઓની ખરીદી કરવામાં આવે છે. પાકિસ્તાન ગધેડાઓની વસતીની રીતે દુનિયામાં ત્રીજા ક્રમે છે. પાકિસ્તાનમાં બીજા પશુઓની સંખ્યામાં વધારો નથી થયો પણ ગધેડાઓની સંખ્યા વધી ચુકી છે. લગભગ ૫૬ લાખની વસતી સાથે આ દેશ દુનિયામાં ત્રીજા ક્રમે છે. પહેલા ક્રમે ઈથોપિયા છે. જ્યાં ગધેડાની સંખ્યા આઠ લાખ જેટલી છે જ્યારે બીજા ક્રમે ચીન પોતે છે. ભારતની વાત કરવામાં આવે તો ભારત ગધેડાઓની વસતીની રીતે ૨૫મા ક્રમે છે.

ચીને પાકિસ્તાન સાથે આ માટે એક કરાર કર્યો છે.જે હેઠળ પાકિસ્તાન દર વર્ષે ચીનને ૮૦૦૦૦ ગધેડાઓની નિકાસ કરે છે અને તેના બદલામાં ચીનને મોટી રકમ મળે છે.ત્યાં સુધી કે ગધેડાઓની સંખ્યા વધે તેમાટે ચીને મોટા પાયે પાકિસ્તાનમાં રોકાણ પણ કર્યુ છે. પાકિસ્તાનમાં ગધેડાઓને સ્વસ્થ રાખવા માટે એક અલાયદી હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે. ચીનમાં ગધેડાના માંસમાંથી પરંપરાગત દવાઓ બને છે.આ સિવાય તેની ચામડીનો અલગ ઉપયોગ છે. ચીનને પાકિસ્તાન એક ગધેડાની કિંમત ૨૦૦૦૦ રૂપિયામાં વેચે છે. જે ચીનમાં પહોંચતા સુધી અનેકગણી વધી જાય છે. ગધેડાની ચામડીમાંથી બનતા જિલેટિનનો ઉપયોગ એક દવા બનાવવા માટે થાય છે. આ દવા શરીરની ઈમ્યુનિટી વધારતી હોવાનુ કહેવાય છે. સાંધાના દુખાવામાં પણ આ દવા અસરકારક હોવાનુ ચીનાઓ માને છે. ચીનાઓ ગધેડાનુ માંસ પણ ખાય છે.ચીનમાં બીજી પરંપરાગત દવાઓ બનાવવા માટે સાપ, વિંછી, મંકોડા જેવા જીવોનો પણ ઉપયોગ થાય છે. ચીનમાં પરંપરાગત દવાઓનુ બજાર ૧૩૦ અબજ ડોલરનુ છે. ચીન માત્ર પાકિસ્તાન જ નહીં પણ દુનિયાના બીજા દેશોમાંથી ગધેડા મંગાવે છે. બ્રાઝિલમાં તો ચીન માટે ગધેડાની દાણચોરી થઈ રહી છે.

જાેકે આ વ્યવસાયમાં પ્રાણી ક્રૂરતાના આરોપ પણ લાગી રહ્યા છે. ચીનની માંગ પૂરી કરવા માટે પ્રેગન્ટ અને બીમાર ગધેડાને પણ સીમા પાર મોકલવામાં આવી રહ્યા છે. તેના બચ્ચાઓને પણ મોકલવામાં આવે છે. તેની સામે ચીનની એક સંસ્થા ચાઈનીઝ હર્બલ મેડિસિન રજિસ્ટરે તો ગધેડાનો દવા બનાવવા માટે ઉપયોગ બંધ કરવાની પણ માંગ કરી છે. આ સંસ્થાનુ કહેવુ છે કે, બીફ , પોર્ક અને ચીકનનો ઉપયોગ પણ જિલેટીન બનાવવા થઈ શકે છે. સાથે સાથે શાકાહારી લોકો માટે વૃક્ષોમાંથી જિલેટિન બનાવીને તેનો ઉપયોગ દવાઓમાં થઈ શકે છે.