05, સપ્ટેમ્બર 2025
વડોદરા |
3465 |
વિશ્વામિત્રીની સપાટી વધીને 15 ફૂટ સુધી પહોંચે તેવી શક્યતાં
વડોદરા શહેર ઉપરાંત શહેરને પિવાનું પાણી પુરૃ પાડતા આજવા સરોવર અને તેના સ્ત્રાવ વિસ્તારમાં છેલ્લા બે દિવસ થી થઈ રહેલા ભારે વરસાદને પગલે આજવાની સપાટીમાં પણ ધીમી ગતીએ સતત વધારો થઈ રહ્યો છે. જોકે, આજે સવારે આજવાની સપાટી વધીને 213.46 ફૂટે પહોંચતા તકેદારીના ભાગરૃપે સવારે 9 વાગે આજવાના 62 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. જેના કારણે સવારે 11 ફૂટે વહેતી વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ સુધી પહોંચે તેવી શક્યતાં છે.
પાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યાં મુજબ પાણીની યોગ્ય સંચાલન અને તકેદારીના ભાગરૃપે આજવામાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટીને ધ્યાને રાખીને કેટલુ પાણી છોડવું તેનો નિર્ણય લેવામાં આવશે. જોકે, પાલિકા દ્વારા હાલ બપોર સુધી આજવામાંથી પાણી છોડીને આજવાની સપાટી 212.50 ફૂટ સુધી લઈ જવાનું આયોજન હોંવાનું જાણવા મળે છે. જોકે, હાલ વડોદરા ઉપરાંત આજવાના સ્ત્રાવ વિસ્તારમાં પણ વરસાદે વિરામ પાળ્યો છે. ત્યારે તંત્રએ રાહત અનુભવી છે.