BAPS સંસ્થાના ગુરૂ મહંત સ્વામી મહારાજનો 87મા જન્મજયંતી મહોત્સવ ઓનલાઈન ઉજવાશે
11, સપ્ટેમ્બર 2020 2673   |  

અમદાવાદ-

ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંતસ્વામી મહારાજ. તેઓ વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા(પ્રમુખ) તેમજ લાખો ભક્તોના ગુરુદેવનો જન્મ મધ્યપ્રદેશમાં આવેલા જબલપુર શહેરમાં ૧૩ સપ્ટેમ્બર ભાદરવા સુદ નોમના દિને ૧૯૩૩માં થયો હતો. તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ તેઓના ૮૭મી જન્મજયંતી ઉત્સવની વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે. જેમાં તારીખ ૯ સપ્ટેમ્બર, બુધવારથી તારીખ ૧૨ સપ્ટેમ્બર, શનિવાર સુધી દરરોજ રાત્રે ૯ થી ૧૦ દરમ્યાન ઓનલાઈન વિશિષ્ટ સભાનો લાભ પ્રાપ્ત થશે. રવિવાર, ૧૩ સપ્ટેમ્બરના રોજ અંગ્રેજી તારીખ પ્રમાણે પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો ૮૭મો પ્રાકટ્ય દિન છે. જન્મ જયંતી સમારોહની વિશિષ્ટ રવિસભા સાંજે ૫ થી ૮ ઓનલાઈન યોજાશે જેમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં વિશિષ્ટ દર્શન-આશીર્વાદનો તેમજ મંત્ર પુષ્પાંજલિ સાથે સમૂહ આરતીના કાર્યક્રમનો લાભ પ્રાપ્ત થશે. 

પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના તેઓ છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુદેવ. વિશ્વભરમાં આધ્યાત્મિક આંદોલન પ્રસરાવનાર મહાન સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી છે. 

૧૮મી સદીના ઘોર સામાજિક અને નૈતિક અંધકારના સમયમાં વિના શસ્ત્રે જેમણે ક્રાંતિકારીને સદાચારના અજવાળા પાથર્યા હતા એવા પરબ્રહ્મ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરંપરાના તેઓ વાહક છે. તેઓના ૮૭મા જન્મજયંતી મહોત્સવે સમગ્ર દિવસ દરમ્યાન ભારત અને વિશ્વભરના તમામ હરિભક્તો ઘેર રહી વિશેષ માળા, પ્રદક્ષિણા, દંડવત, સહજાનંદ નામાવલીનું પઠન જેવા ભક્તિસભર આયોજનોમાં જોડાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution