લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, જાન્યુઆરી 2026 |
2475
સુરત, નાના વરાછા રામજી મંદિર પાછળ તાપીમાંથી બાળકનું ભ્રૂણ મળતાં ચકચાર મચી હતી. નદીકાંઠે ટેમ્પો ધોતા યુવકે પાણીમાં તરતાં ભ્રૂણ અંગે જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી. કાપોદ્રા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર નાના વરાછમાં તપોવન સ્કુલ પાસે ગાયત્રી નગરમાં રહેતા જીગ્નેશ સુરેશભાઈ ખાણીયા ટેમ્પો ચલાવે છે. સુરેન્દ્ર નગરનાં ચુડા ગામના વતની જીગ્નેશ ૧૬મી તારીખે સવારે તેમનો જીજે ૦૫ સીવાય ૪૧૦૬ નંબરનો ટેમ્પો લઇ નાના વરાછા રામજી મંદિર પાછળ તાપી કિનારે ગયા હતાં. તેઓ અહીં તાપીમાંથી પાણી લઇ ટેમ્પો ધોવા માંડ્યા હતાં. આ દરમિયાન પાણીમાં તરતુ ભ્રૂણ જાેવા મળ્યું હતું. નદીનાં પ્રવાહમાં તરતુ ભ્રૂણ જાેઇ ચોંકી ઉઠેલા જીગ્નેશ ખાણીયાએ તુરંત ઓવારાની સફાઇ કરતાં પાલિકા કર્મચારી હિતેષ સોલંકી તથા રાજુભાઇ સોલંકીને જાણ કરી હતી. જાેતજાેતામાં ત્યાં લોકટોળું એકઠું થયું અને પોલીસ કંટ્રોલને કોલ કરાયો હતો. કોલ મળતાં પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. પોલીસે ભ્રૂણ અંગે આવશ્યક કાર્યવાહી કરી તેને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું હતું. સાથે જ જન્મ છૂપાવવાના ઇરાદે અધૂરા માસે જન્મેલું કે ગર્ભપાત કરાયેલું ભ્રૂણ તાપી નદીમાં ફેંકી દેનાર અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.