વડોદરા, તા. ૨૧

ચોરીનો મુુદ્દામાલ સાથે દશરથથી ફાજલપુર તરફ ટ્રકમાં ફરાર થઈ રહેલી ગોધરાની તસ્કર ટોળકીનો નંદેસરીની પોલીસવાને પીછો કરતા પોલીસ અને તસ્કરટોળકી વચ્ચેના પકડદાવથી ઉત્તેજના ફેલાઈ હતી. હાઈવે પર તસ્કર ટોળકીએ એક તબક્કે પોલીસ વાન પર ગાડી ચઢાવી દઈ પોલીસ જવાનોની સામુહિક હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો જેના કારણે પોલીસવાન ડિવાઈડર સાથે ધડટાકાભેર ભટકાતા પોલીસ વાનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવની કન્ટ્રોલ રૂમમાં જાણ કરાતા છાણી પોલીસે ઉક્ત ટ્રકને ઝડપી પાડી તેમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બેની અટકાયત કરી હતી.

છાયાપુરીરોડ પર ધીરજ બા નગરમાં રહેતા ૩૨ વર્ષીય રામદાસ મેડા નંદેસરી પોલીસ મથકમાં આઉટટસોર્સ ડ્રાઈવર તરીકે દોઢેક ફરજ બજાવે છે. ગત ૧૯ મી તારીખના રાત્રે તે નંદેસરીના પોકો જયેશ ફતાભાઈ સાથે પીસીઆર વાનમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે સમયે ગઈ કાલે સવારે છ વાગ્યાના અરસામાં પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે એક જીજે-૧૭-એકસ એકસ -૨૮૫૫ નંબરની ટ્રક શંકાસ્પદ હાલતમાં દશરથ ગામ ક્રોસ કરીને ફાજલપુર જઈ રહી છે. આ માહિતીના પગલે તેઓ નંદેસરી બ્રિજ પાસે આવતા જ તેઓએ ઉક્ત નંબરવાળી ટ્રક જાેઈ હતી. તેઓએ ટ્રકને ઓવરટેક કરી ટ્રકને ઉભી રાખવા માટે ઈશારો કર્યો હતો પરંતું ટ્રકચાલકે ટ્રક આગળ હંકારી મુકી હતી. પોલીસે ટ્રકનો પીછો કરતા ટ્રકચાલક વાસદ ટોલનાકા પહેલા ડિવાઈડરના કટમાંથી યુટર્ન લઈ વડોદરા તરફ ભાગતા પોલીસે તેઓનો પીછો ચાલુ રાખ્યો હતો.

પોલીસની વાન પીછો નહી છોડે તેમ લાગતા ટ્રકચાલકે ટ્રકમાં બેઠેલા સાગરીતોના ઈશારે પોલીસની પીસીઆર વાનને વારંવાર ટક્કર મારી પોલીસની વાન પર ટ્રક ચઢાવવાનો તેમજ અકસ્માતમાં પોલીસ જવાનોની હત્યાનો પ્રયાસ કર્યો હતો.પદમલા બ્રિજ ઉતરતા પોલીસે ડાબી બાજુથી ઓવરટેકનો પ્રયાસ કરતા ટ્‌કચાલકે ટ્‌ક ડાબી બાજુ લાવી હતી જેના કારણે પોલીસવાન સર્વિસરોડના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં પોલીસ વાનના ચાલક રામદાસને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાેકે આ બનાવની તુરંત કન્ટ્રોલ રૂમમાં જાણ કરાતા પોલીસ બેડામાં તસ્કરોને ઝડપવા દોડદામ મચી હતી અને છાણી પોલીસે રોડ પર આડસ ગોઠવી ઉક્ત ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસે ગોધરામાં રહેતા ટ્રકચાલક યુનુસ રમજાની આલમ અને ક્લિનર મોહસીન હસન મીઠાને ઝડપી પાડ્યા હતા જયારે પોલીસને જાેતા જ ટ્રકમાં હાજર સુફિયાન મોડાસાવાલા, સોએબ શેખ અને અન્ય એક યુવક ફરાર થયો હતો.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલી પીસીઆર વાનના ચાલક રામદાસે આ બનાવની નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરટોળકી સામે હત્યાનો પ્રયાસ અને સરકારી મિલકતને નુકશાનનો ગુનો નોંધી તે પૈકી ઝડપાયેલા ટ્રકચાલક-ક્લિનરની અટકાયત કરી હતી.

તસ્કર ટોળકીએ પોર પાસેથી એરકોમ્પ્રેશર-ટાયરોની ચોરી કરેલી

તસ્કર ટોળકીએ પોર હાઈવે પર આર કે પેટ્રોલપંપની બાજુમાં આવેલા શિવ શક્તિ ટાયર સર્વિસ નામની પંચર રિપેરીંગની દુકાનની બહાર ખુલ્લામાં મુકેલા ૪૦ હજારની કિંમતના ૪૦ જુના ટાયરો તેમજ ૪૫ હજાર રૂપિયાના હવા ભરવાના દોઢ અને બે હોર્સ પાવરના જુના કોમ્પ્રેશર મશીનો સહિત ૮૫ હજારની મત્તાની ચોરી કરી હતી અને તે ચોરીનો સામાન ટ્રકમાં લઈ અમદાવાદ તરફ જતા હતા. આ ચોરીના બનાવની વરણામા પોલીસે પણ તપાસ શરૂ કરી છે.