ફ્રાન્સ-બ્રિટન પછી કેનેડા પણ પેલેસ્ટાઇનને માન્યતા આપશે:વડાપ્રધાન કાર્નીએ જાહેરાત કરી
31, જુલાઈ 2025 ઓટ્ટાવા   |   3861   |  

 સપ્ટેમ્બરમાં યુએનમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે

ફ્રાન્સ અને બ્રિટનની જેમ કેનેડા પણ પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. વડાપ્રધાન માર્ક કાર્નીએ બુધવારે આ જાહેરાત કરી હતી.આ માન્યતા સપ્ટેમ્બર 2025માં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન સત્તાવાર રીતે આપવામાં આવશે. આ સાથે, ફ્રાન્સ અને બ્રિટન પછી કેનેડા ત્રીજો G7 દેશ બન્યો છે જેણે હાલમાં પેલેસ્ટાઇનને માન્યતા આપવાની જાહેરાત કરી છે.

ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે લગભગ બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. પાણી અને ખોરાકની અછત અને શરણાર્થી શિબિરો પર હુમલાઓને કારણે ત્યાં માનવીય સંકટ વધઉ ઘેરુ બન્યું છે. આ કારણે ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય દબાણ સતત વધી રહ્યું છે.

જોકે, વડાપ્રધાન કાર્નીએ પણ માન્યતા માટે કેટલીક શરતો મૂકી છે. પેલેસ્ટાઇનને આ શરતો પૂરી કરવી પડશે.જેમાં આવતા વર્ષે ચૂંટણી યોજવી ફરજિયાત રહેશે, જે 2006 પછી પહેલી વાર હશે, ચૂંટણીમાં અને શાસનમાં હમાસની કોઈ ભાગીદારી હશે નહીં. તેમજ પેલેસ્ટિનિયન રાજ્યનું બિનલશ્કરીકરણ એટલે કે શસ્ત્રો અને લડાઇ ક્ષમતાઓથી મુક્ત ક્ષેત્ર બનાવવામાં આવશે.

કાર્નીએ કહ્યું કે તેમણે પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે સીધી વાત કરી છે અને આ શરતો પર સંમતિ સધાઈ ગઈ છે. તેમણે કહ્યું કે ગાઝામાં જે થઈ રહ્યું છે તે માનવતા વિરુદ્ધના ગુના જેવું છે.તેમણે ઇઝરાયલ પર આરોપ લગાવ્યો કે તે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને રાહત સામગ્રી પહોંચાડવા દેતા નથી, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution