માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
31, જુલાઈ 2025 મુંબઈ   |   3069   |  

7 વર્ષ જૂના માલેગાંવ બ્લાસ્ટ કેસમાંકુલ 7 આરોપીઓ હતા

મુંબઈની સ્પેશિયલ NIA કોર્ટે 17 વર્ષ જૂના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના કુલ 7 આરોપીઓ ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી અને સમીર કુલકર્ણી છે. તમામને આરોપીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, શસ્ત્ર અધિનિયમ અને અન્ય આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

સુનાવણી વખતે જજે જણાવ્યું હતું કે, ફરિયાદી પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે કે, બ્લાસ્ટ દરમિયાન બોમ્બ બાઈક પર ફિટ કરવામાં આવ્યો હતો. મોટરસાયકલનો ચેસિસ નંબર ભૂસાઈ ગયો છે, તેમજ એન્જિન નંબર પણ શંકા હેઠળ છે. જેથી સાધ્વી પ્રજ્ઞા તેના માલિક કે કેમ તેનો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. બીજી બાજુ બ્લાસ્ટમાં વપરાયેલા આરડીએક્સનો લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતના ઘરમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાના પણ કોઈ પુરાવા મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 6 લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્ર પોલીસના એન્ટી ટેરરિઝમ સ્ક્વોડએ શરૂઆતમાં આ કેસની તપાસ કરી હતી, ત્યારબાદ તે NIA ને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં ચાલી રહેલી લાંબી કાનૂની પ્રક્રિયા અને આરોપોને કારણે આ ચુકાદો અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ બ્લાસ્ટ રમઝાનના મહિનામાં અને નવરાત્રિ પહેલાં જ થયો હતો. આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ એ.કે. લાહોટી દ્વારા થઈ રહી હતી. સાધ્વી પ્રજ્ઞાની ઓક્ટોબર, 2008માં ધરપકડ કરવામાં આવી હતી. બ્લાસ્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટરસાઈકલ સાધ્વી પ્રજ્ઞાના નામે રજિસ્ટર્ડ હોવાથી તેમની ધરપકડ થઈ હતી. મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી સ્ક્વોડ એ દાવો કર્યો હતો કે, મુસ્લિમની વસ્તી ધરાવતા વિસ્તારને નિશાન બનાવી બ્લાસ્ટ કરવાના ષડયંત્રમમાં સાધ્વી પ્રજ્ઞા સામેલ હતાં. આ સિવાય લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત કે જે તે સમયે સેનાની મિલિટ્રી ઈન્ટેલિજન્સ વિંગમાં સેવા આપી રહ્યા હતાં. તેમના પર અભિનવ ભારત નામના કટ્ટરપંથી હિન્દુ સંગઠનને મદદ કરવાનો આરોપ મૂકાયો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution