બાળકો યુટ્યુબ નહીં વાપરી શકે, ભારતના મિત્ર દેશનો પ્રતિબંધનો નિર્ણય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુલાઈ 2025  |   સીડની   |   19206

કંપની કાયદાનું ઉલ્લંઘન કરે તો 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ

ઓસ્ટ્રેલિયા સરકાર બાળકો અને કિશોરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને સખત પગલાં લઈ રહી છે. તાજેતરમાં, સરકારે YouTube ને પણ બૅન કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ વીડિયો હોસ્ટિંગ પ્લેટફોર્મને છૂટ આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને પણ કિશોરો માટે બૅન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે તેઓ આ અંગે સરકાર સાથે વધુ વાતચીત કરશે.

ઓસ્ટ્રેલિયાની ઇન્ટરનેટ કન્ટેન્ટ પર નજર રાખતી સંસ્થાએ સરકારને YouTube પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સંસ્થાએ પોતાના સંશોધનના આધારે જણાવ્યું હતું કે 10 થી 15 વર્ષના 37% બાળકો YouTube પર હાનિકારક કન્ટેન્ટ જોઈ રહ્યા છે. આ આંકડો અન્ય કોઈ સોશિયલ મીડિયા સરખામણીમાં સૌથી વધુ જોવા મળ્યો હતો.

જોકે, મળતી વિગતો મુજબ મેટાની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ પણ કહ્યું હતું કે YouTube ને છૂટ આપવી યોગ્ય નથી.

વડાપ્રધાન એન્થની આલ્બનીઝ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'સોશિયલ મીડિયાની એક સામાજિક જવાબદારી છે અને તેમાં કોઈ શંકા નથી કે ઓસ્ટ્રેલિયાના બાળકો ઓનલાઈન પ્લેટફોર્મ્સને કારણે નકારાત્મક રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. આવા સંજોગોમાં, હું તેમને બંધ કરવાની તૈયારી કરી રહ્યો છું.

ગયા વર્ષે નવેમ્બરમાં આ અંગે કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે. જો સોશિયલ મીડિયા કંપનીઓ આ કાયદાનું ઉલ્લંઘન કરશે, તો તેમને 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવશે. પ્રતિબંધના તાજેતરના નિર્ણય પર YouTube ના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપની આગામી પગલાં પર વિચાર કરશે અને સરકાર સાથે વાતચીત કરશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution