સરકારનો મોટો દિલાસો: દેશમાં ખાંડની કોઈ અછત નથી, ટૂંકસમયમાં જ છૂટક ભાવ ઘટશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓગ્સ્ટ 2026  |   2376

છેલ્લા કેટલાક સમયથી ખાંડના વધતા જતા ભાવથી પરેશાન દેશના સામાન્ય ગ્રાહકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ખાંડ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા ‘ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન’  ISMA) એ સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની કે ઊંચા ભાવે ખરીદી કરવાની કોઈ જરૂર નથી. ISMAના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ બજારમાં ખાંડના છૂટક ભાવમાં ઘટાડો જાેવા મળી શકે છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ISMAના પ્રમુખ નીરજ શિરગાંવકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ખાંડના ભાવમાં થયેલો વધારો મિલો દ્વારા કૃત્રિમ અછત ઉભી કરવાને કારણે નથી થયો, પરંતુ ખરાબ હવામાનને લીધે ઉત્પાદનમાં થયેલો ઘટાડો અને વેપારીઓ દ્વારા કરવામાં આવેલી સટ્ટાકીય ખરીદી તેનું મુખ્ય કારણ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ૧૦ લાખ ટન કાચી ખાંડની ડ્યુટી-મુક્ત આયાતને મંજૂરી આપી છે, જેના કારણે હવે બજારમાં કિંમતોનું દબાણ ઓછું થઈ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં દેશમાં આશરે ૩.૫ મિલિયન (૩૫ લાખ) ટન ખાંડનો બંધ સ્ટોક રહેવાનો અંદાજ છે, જે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતો છે. ૧૫ ઓક્ટોબરથી શરૂ થશે પિલાણની નવી સીઝન

 ISMAના અંદાજ મુજબ, ૧૫ ઓક્ટોબરની આસપાસ દેશની ખાંડ મિલોમાં પિલાણની નવી સીઝન શરૂ થઈ જશે. ઓક્ટોબર મહિના દરમિયાન મિલો દ્વારા ૧૦ થી ૧૨ લાખ ટન નવી ખાંડનું ઉત્પાદન થવાની શક્યતા છે. જાેકે ઓક્ટોબરમાં તહેવારોને કારણે માંગ ૨૪ થી ૨૫ લાખ ટન રહેવાનો અંદાજ છે, પરંતુ વર્તમાન સ્ટોક અને આયાતી ખાંડના કારણે પુરવઠો સરળતાથી જળવાઈ રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution