તહેવારોમાં જમાખોરી રોકવા સ્ટૉક લિમીટ અડધી કરાઈ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   1782

ભારત દુનિયામાં ખાંડનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને કારણે દેશમાં ખાંડની માંગમાં મોટો ઉછાળો આવે છે. તહેવારોની સિઝનમાં વધતી માંગ અને મોંઘવારીને પહોંચી વળવા માટે સરકારે ખાંડના સ્ટોક સંબંધિત નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે એક મહિનામાં ૧૦ મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ કે વેપાર કરતા ડીલરો ૧૫ દિવસથી વધુનો સ્ટોક પોતાની પાસે રાખી શકશે નહીં. આ નવો નિયમ ૧ સપ્ટેમ્બરથી લાગુ થશે અને ૩૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે. સરકારના આ ર્નિણયનો મુખ્ય હેતુ બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવાનો અને કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે. તહેવારોના દિવસોમાં ઘરો ઉપરાંત બિસ્કિટ, મીઠાઈ અને અન્ય ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ મોટા પાયે ખાંડની ખરીદી કરે છે. વેપારીઓ જરૂરિયાત કરતાં વધુ સ્ટોક ભેગો ન કરે અને જમાખોરીના કારણે ભાવ ન વધે તે માટે સરકારે આ પગલું ભર્યું છે. અગાઉ સરકારે વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા ૩૦ દિવસ કરી હતી, પરંતુ તેમ છતાં ભાવમાં વધારો ચાલુ રહેતાં હવે આ સમયગાળો ઘટાડીને માત્ર ૧૫ દિવસ કરી દેવાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા એક મહિનામાં ખાંડની કિંમતોમાં આશરે ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. ઉદ્યોગ સંગઠનના આંકડા મુજબ, મંગળવારે દેશમાં ખાંડની સરેરાશ એક્સ-મિલ કિંમત ?૫૪૦૦ થી ?૫૫૦૦ પ્રતિ ક્વિન્ટલ રહી હતી, જે એક વર્ષ પહેલાં ?૩૯૦૦ પ્રતિ ક્વિન્ટલ હતી. બીજી તરફ રિટેલ બજારમાં પણ ૧૮ ઓગસ્ટે ખાંડની સરેરાશ કિંમત ?૫૨.૩૦ પ્રતિ કિલો પહોંચી ગઈ છે,

 જે ગત વર્ષે આ સમયે ?૪૬.૩૪ પ્રતિ કિલો હતી. આમ, વાર્ષિક ધોરણે રિટેલ ભાવમાં ૧૩ ટકાનો વધારો થયો છે. ખાંડની નવી સિઝન ૧ ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ આ વખતે શરૂઆતી સ્ટોકને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્યોગના અંદાજ મુજબ, નવી સિઝનની શરૂઆતમાં ૪૦થી ૪૨ લાખ ટન ખાંડ ઉપલબ્ધ થઈ શકે છે, જ્યારે દેશની સ્થાનિક જરૂરિયાત આશરે ૫૦ લાખ ટન છે. 


૧૦ વર્ષ પછી ભારત ૧૦ લાખ ટન વિદેશી ખાંડ આયાત કરશે

આશરે ૧૦ વર્ષ પછી ભારતને ફરીથી ખાંડની આયાત કરવી પડી શકે છે. સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં સતત વધારા વચ્ચે, સરકાર આયાત ડ્યુટી વિના આશરે ૧૦ લાખ ટન કાચી ખાંડની આયાત કરવાની તૈયારી કરી રહી છે. તેનો હેતુ દેશમાં ખાંડનો પુરવઠો વધારવાનો અને અમુક અંશે વધતા ભાવોને કાબુમાં લેવાનો છે. મહારાષ્ટ્રમાં ખાંડનો એક્સ-મિલ ભાવ, એટલે કે મિલ છોડતી વખતેનો ભાવ, પ્રતિ ક્વિન્ટલ ૫,૪૦૦-૫,૫૬૦ જેટલો વધી ગયો છે. માર્ચ ૨૦૨૬ થી ખાંડના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ખાંડના ભાવમાં આ વધારો તહેવારોની મોસમ પહેલા થયો છે, જે દરમિયાન દેશમાં ખાંડનો વપરાશ નોંધપાત્ર રીતે વધે છે. નિષ્ણાતોના મતે, ખાંડના ભાવમાં વધારાનું સૌથી મોટું કારણ મિલોમાં સ્ટોકનો અભાવ છે. ઓક્ટોબર ૨૦૨૫ માં શરૂ થયેલી ૨૦૨૫-૨૬ સીઝનમાં, દેશમાં ખાંડનો વપરાશ ઉત્પાદન કરતાં વધી ગયો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution