‘ટીપ’નો ખેલ ખતમ! કેબ-કંપનીઓ બુકિંગ માટે વધારાના પૈસા નહીં માગે:સરકારે પ્રતિબંધ મૂક્યો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026  |   1881

જાે તમે ઓલા, ઉબર કે કોઈ અન્ય એપથી કેબ બુક કરો છો અને બુકિંગ પૂરું થાય તે પહેલાં જ સ્ક્રીન પર ટીપ આપવાનો કે વધારાના પૈસા આપવાનો વિકલ્પ હવે નહીં દેખાય. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેબ એગ્રીગેટર્સને મોબાઇલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી આવા તમામ ફીચર્સ હટાવવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે પ્રવાસ શરૂ થાય તે પહેલાં વધારાના પેમેન્ટ માટે આવા મેસેજ મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ, ૨૦૨૫ના નિયમોનું ઉલ્લંઘન કરે છે. મંત્રાલયે એડવાઇઝરીમાં જણાવ્યું છે કે કેબ બુક કરતી વખતે મુસાફરોને એવા મેસેજ કે વિકલ્પો ન બતાવવા જાેઈએ, જેનાથી તેમને ટીપ આપવા માટે કહેવામાં આવે. તેમાં ‘એડવાન્સ ટીપ’, ‘ચૂઝ એન એડ ઓન’ અને ‘ઇમ્પ્રુવ યોર ચાન્સેસ ઓફ ક્વિકર રાઇડ કન્ફર્મેશન’ જેવા વિકલ્પોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, જાે એપ પર આ મેસેજ આવે કે, તમે રાઇડ જલ્દી મેળવવા માટે ડ્રાઇવરને ટીપ આપો તો તેને પણ હટાવવો પડશે. સરકાર મુજબ કોઈપણ ફીચરથી મુસાફરને એવું ન લાગવું જાેઈએ કે કેબ ભાડા ઉપરાંત વધારાના પૈસા આપવાથી કેબ જલ્દી કન્ફર્મ થશે, ડ્રાઇવર દ્વારા ટ્રિપ સ્વીકારવાની સંભાવના વધશે કે તેને સારી સેવા મળશે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એપનું કોઈ પણ ફીચર એવું ન હોવું જાેઈએ જે વધારાના પેમેન્ટને સારી સર્વિસ સાથે જાેડે. મુસાફરને એવો સંકેત આપી શકાય નહીં કે ટીપ કે કોઈ અન્ય એડ-ઓન માટે પૈસા આપવાથી ડ્રાઇવર જલ્દી મળશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution