લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓગ્સ્ટ 2026 |
3663
દેશમાં ખાંડના ભાવમાં સતત વધારો થતાં સરકાર હવે ભાવને કાબૂમાં લેવા માટે મોટા પગલાની તૈયારી કરી રહી છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં આશરે ૧૦ ટકાનો વધારો થયો છે અને કેટલાક વિસ્તારોમાં છૂટક ભાવ ૫૦ પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગયા છે. તહેવારોની સિઝન દરમિયાન માગ વધવાની શક્યતા વચ્ચે આગામી કેટલાક મહિના સુધી ભાવ ઊંચા રહેવાની આશંકા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર શેરડીમાંથી ઈથેનોલ ઉત્પાદન માટે થતી શેરડીની ફાળવણી મર્યાદિત કરવાની વિચારણા કરી રહી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવીને ભાવમાં વધુ વધારો અટકાવવાનો છે. જાે શેરડીનો મોટો હિસ્સો ખાંડના ઉત્પાદન તરફ વાળવામાં આવશે તો બજારમાં ખાંડનો પુરવઠો વધવાની શક્યતા છે. ચાલુ સિઝનમાં, જે સપ્ટેમ્બરમાં પૂર્ણ થવાની છે, ખાંડ મિલોએ આશરે ૩ મિલિયન મેટ્રિક ટન એટલે કે ૩૦ લાખ ટન ખાંડના ઉત્પાદન જેટલી શેરડી ઈથેનોલ બનાવવા માટે વાળી છે. આ કુલ ખાંડ ઉત્પાદનના આશરે ૧૦ ટકા જેટલું છે. જાે આગામી સિઝનમાં શેરડીમાંથી ઈથેનોલનું ઉત્પાદન મર્યાદિત કરવામાં આવે છે, તો આ જથ્થો ખાંડના ઉત્પાદન તરફ વળી શકે છે. પરિણામે બજારમાં ખાંડનો પુરવઠો વધશે અને ભાવ પર ઘટાડાનું દબાણ આવી શકે છે.