31, જુલાઈ 2025
વડોદરા |
3069 |
પોલીસ વિભાગ અને પાલિકાની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી
વડોદરા નજિક નેશનલ હાઈવે વિવિધ ક્રોસીંગ ઉપર અવાર- નવાર સર્જાતી ટ્રાફીકજામની સમસ્યાને લઈ પોલીસ તંત્ર દ્વારા વડોદરા પાલિકા અને નેશનલ હાઈવે ઓથોરીટીની સાથે મળીને હંગામી તેમજ કાંચા- પાકા શેડ સહિત બાંધીને ઉભા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૃ કરી છે. જે અંતર્ગત આજે દુમાડ ચોકડી નજિક જેસીબી અને ડોઝરની મદદથી શેડ સહિતના દબાણો દૂર કરીને ક્રોસીંગ પરનો રસ્તો ખુલ્લો કર્યો હતો.
વડોદરા નજિક થી પસાર થતાં નેશનલ હાઈવે ૪૮ ઉપર અવાર નવાર ટ્રાફીક જામની પરીસ્થિતી સર્જાય છે. ખાસ કરીને જાંબુવા બ્રિજની પાસે 10 થી 15 કી.મી. ટ્રાફીક જામના કારણે વાહનોની લાંબી કતારો લાગે છે. ત્યારે તાજેતરમાં શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરીટી, આરટીઓ આરએન્ડબી વિભાગ તેમજ વડોદરા પાલિકાના અધિકારીઓ દ્વારા સંયુક્ત મુલાકાત બાદ ગઈકાલથી પોલીસ વિભાગ દ્વારા પાલિકાની ટીમ સાથે હાઈવે ઉપરના વિવિધ ક્રોસીંગ પર ગેરકાયદે ઉભા થયેલા કાયા- પાકા દબાણો, ખાણી પીણીની લારીઓ, શેડ સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
જે અંતર્ગત આજે દુમાડ ચોકડી અને આસપાસ શેડ, ઓટલા, લારી- ગલ્લા સહિતના દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.