10, નવેમ્બર 2020
લીંબડી-
લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ચૂંટણી જીતી ગયા છે. આ બેઠક પર મતગણતરી હાલ ચાલુ છે પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટસિંહને એટલી લીડ મળી છે કે તેમની જીત નિશ્ચિત છે. આ પ્રસંગે તેમણે મીડિયાને સંબોધતા રડી પડ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, અમે જીતની કોઇ ઉજવણી નહીં કરીએ. કિરિટસિંહ રાણાએ જણાવ્યું કે, સર્વે જનતાનો હૃદય તરીકે આભાર માનું છું. આ જીત મારી નથી પરંતુ બધા કાર્યકર્તાઓની જીત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વિકાસના કામો કરવાના છે. ઉજવણી નથી કરવાના કારણ કે, જે ઘટના બની છે તે મારા મિત્ર પણ હતા અને સર્વે જ્ઞાતિના પ્રેમી માણસ પણ હતા.ભારતીય જનતા પાર્ટીમાં કોઇ જ્ઞાતિ કે સમાજનું કોઇ સમિકરણ નથી હોતુ. તે દલિત સમાજનાં હોવ છતાંપણ અમારા જિલ્લા યુવા મોર્ચાના પ્રમુખ હતા અને હજી લીંબડી તાલુકાનાં પ્રમુખશ્રી કિરપાલભાઇ હજી લાપતા છે. તો અમે કોઇ સરઘસ પણ નથી કાઢવાના કે રંગ પણ નથી ઉડાડવાના કોઇજાતની ઉજવણી નથી કરવાના.
મારો કાર્યકર્તા મારો ભાઇ ગૂમ થયો છે. મને મારો પાર્ટનર અને સંનિષ્ઠ કાર્યકર્તા ગૂમાવ્યાનું ઘણું દુખ છે. તેથી અમે કોઇ ઉજવણી નથી કરવાના. મહત્વનું છે કે, બદ્રીનાથ હાઈવે પર શનિવારે ટૈયા પુલ નજીક મોટી દુર્ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના બદ્રીનાથ દર્શનાર્થે ગયેલ ભાજપના ત્રણ યુવકો અને એક ડ્રાઇવરને અકસ્માત નડ્યો હતો.