લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ડિસેમ્બર 2025 |
વડોદરા |
693
વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઈ
વડોદરા શહેરમાં ચાલી રહેલા મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીના કારણે અલકાપુરીનું ગરનાળુ આગામી ૧૨ જાન્યુઆરી સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યું છે. આ નિર્ણય એલ એન્ડ ટી (L&T) દ્વારા કરવામાં આવી રહેલા સિવિલ વર્કને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, કડક બજારથી અલકાપુરી ગરનાળા તરફના માર્ગ પર ગડર (ડ્રેનેજ) નાખવાની કામગીરી થવાની હોવાથી આ માર્ગ પરથી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ૨૬ ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે અને ૧૨ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.આ સમયગાળા દરમિયાન કડક બજારથી અલકાપુરી તરફ જતા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. આવા વાહનો રેલવે સ્ટેશન, કાલાઘોડા સર્કલથી ડેરીડેન સર્કલ, ત્યારબાદ સૂર્ય પેલેસ હોટલ ચાર રસ્તા થઈ જેતલપુર બ્રિજ મારફતે વલ્લભ ચોક તરફ જઈ શકશે.તે જ રીતે, અલકાપુરીથી સયાજીગંજ તરફ આવતા વાહનો માટે પણ વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. આવા વાહનો પ્રોડક્ટિવિટી નાકાથી વલ્લભ ચોક ચાર રસ્તા થઈને જેતલપુર બ્રિજ મારફતે પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે.પ્રશાસને વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને નિર્ધારિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરીને સહકાર આપે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે.