રેલવેનું આયોજન: સુરત,વડોદરા,ભોપાલ સહિત 48 રેલવે સ્ટેશનની ક્ષમતા બેગણી થશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ડિસેમ્બર 2025  |   દિલ્હી   |   2079

પાંચ વર્ષની મહત્ત્વાકાંક્ષી યોજના

 દેશના મોટા શહેરોમાં વધતી મુસાફરોની ભીડ અને ટ્રેનોના વધતા દબાણને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ આગામી પાંચ વર્ષ માટે મહત્ત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. આ યોજના હેઠળ સુરત, વડોદરા, ભોપાલ સહિત દેશભરના કુલ 48 મુખ્ય રેલવે સ્ટેશનોની ક્ષમતા બેગણી કરવામાં આવશે. આ માટે રેલવે બોર્ડ દ્વારા સંબંધિત રેલવે ઝોનને સ્પષ્ટ આદેશો આપી દેવામાં આવ્યા છે અને વિસ્તૃત પ્લાન રજૂ કરવા જણાવાયું છે.રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સુરત, વડોદરા, ઇન્દોર, ભોપાલ, ઉજ્જૈન, જોધપુર, જયપુર, ભાગલપુર, મુઝફ્ફરપુર, દરભંગા, ગયા અને દિલ્હી સહિતના 48 સ્ટેશનો પર આગામી પાંચ વર્ષમાં મોટાપાયે વિકાસ કાર્ય કરવામાં આવશે. સ્ટેશનની ભૌતિક ક્ષમતા વધારવાની સાથે સાથે અહીંથી ટ્રેનોના સંચાલનમાં પણ વધારો કરવામાં આવશે, જેથી મુસાફરોને વધુ સુવિધા મળી શકે.આ સમગ્ર યોજનાને ત્રણ તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં એવા સ્ટેશનોનો સમાવેશ કરાશે, જ્યાં તાત્કાલિક ક્ષમતા વધારવાની જરૂર છે. બીજા તબક્કામાં એકથી બે વર્ષમાં વિકાસ કરવાની કામગીરી થશે, જ્યારે ત્રીજા તબક્કામાં પાંચ વર્ષના સમયગાળામાં સ્ટેશનોની ક્ષમતા બેગણી કરવાની યોજના અમલમાં આવશે. દરેક રેલવે ઝોન અને મંડળને પ્લેટફોર્મની સંખ્યા વધારવી, નવા ટ્રેક, યાર્ડ વિસ્તરણ અને મુસાફર સુવિધાઓ અંગે વિગતવાર યોજના રજૂ કરવા જણાવાયું છે.આ યોજનાથી માત્ર રેલવે સ્ટેશનો પરની ભીડ જ ઓછી નહીં થાય, પરંતુ ટ્રેનોની સમયપાબંદી અને ફ્રીક્વન્સીમાં પણ નોંધપાત્ર સુધારો થશે. મોટા શહેરોમાં નવા ટર્મિનલ વિકસાવવામાં આવતા શહેરોના ટ્રાફિક પરનો ભાર પણ ઘટશે. સાથે સાથે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે કનેક્ટિવિટી સુધરશે, જેના કારણે આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.રેલવે અધિકારીઓનું માનવું છે કે આ યોજના ભવિષ્યની મુસાફરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને તેનાથી દેશની રેલવે વ્યવસ્થા વધુ મજબૂત, ઝડપી અને આધુનિક બનશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution