09, જુલાઈ 2025
2574 |
વડોદરાગુજરાતમાં બ્રિજ પાડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટને જાેડતો વધુ એક બ્રિજ ધરાશાયી થઇ ગયો હતો. મહીસાગર નદી ઉપર બનાવાયેલો ગંભીરા બ્રિજ વહેલી સવારે બે ભાગમાં વિભાજીત થઇ ગયો. બ્રિજનો એક જર્જરિત હિસ્સો ધડામ દઈને નદીમાં ખાબક્યો અને તેની સાથે પાંચ વાહનો પણ નદીમાં ગરક થઇ ગયા. આ ઘટનામાં સાંજ સુધીમાં ૧૧ વ્યક્તિઓના મોત થયા થયા હતા જયારે પાંચ વ્યક્તિઓના રેસ્ક્યુ કરીને જીવ બચાવવામાં આવ્યા હતા.
ધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જાેડતા ગંભીર બ્રિજનો એક હિસ્સો આજે સવારે ૭.૪૫ કલાકની આસપાસ ધરાશાયી થયો હતો. આ બ્રિજ ઉપર વહેલી સવારે અનેક લોકો નોકરી માટે આવનજાવન કરતાં હોય છે આ ઉપરાંત અનેક મોટા વાહનો પણ આ બ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન અચાનક બ્રિજ ધડામ દઈને તૂટી પડતા પાંચ વાહનો નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં એક ઇકો કાર, એક પીકઅપવાન, બે ટ્રક અને એક રીક્ષા નદીના પાણીમાં ગરક થયા હતા. બનાવની જાણ આસપાસના નાગરિકો તેમજ તંત્રને થતા તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને બચાવકામગીરી યુદ્ધના ધોરણે શરુ કરી હતી. એનડીઆરએફની ટીમ, વડોદરાનું ફાયર વિભાગ તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ બચાવ કામગીરીમાં લાગી હતી. એક બાદ એક મૃતદેહોને કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ૧૩ વ્યક્તિઓના મોત થયા છે. તો પાંચ વ્યક્તિઓના રેસ્ક્યુ કરીને તેઓને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ૫૦ વર્ષ જૂનો આ બ્રિજ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હતો અને તેના સમારકામ માટે અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ તંત્રના પેટનું પાણી ન હાલતા અંતે આ મોટી હોનારત સર્જાઈ હતી. આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના આગેવાનોએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
પીએમ મોદીએ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી સહાયની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. તેમજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ. ૨ લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. ૫૦,૦૦૦ની સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવાયું હતું કે, ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનીથી ખૂબ જ દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક તપાસના આદેશ અપાયા
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગ-મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. આ માટે ચીફ એન્જિનિયર- ડિઝાઇન તથા ચીફ ઇજનેર-સાઉથ ગુજરાત અને પુલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરીને અહેવાલ આપવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યકત કર્યો : દુર્ઘટનામાં
મૃતકોના વારસદારને રૂ. ૪ લાખની સહાયની જાહેરાત
આણંદ અને વડોદરાને જાેડતા માર્ગ પરના ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં મૃતકોના વારસદારને રૂ. ૪ લાખની સહાયની જાહેરાત કરી હતી. તેમજ ઈજાગ્રસ્તોને રૂ. ૫૦૦૦૦ની સહાયની જાહેરાત કરાઈ હતી. ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે, આણંદ અને વડોદરાને જાેડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકીનો એક ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાળ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે. તેમજ દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઑ સાથે કાર્યરત છે, તેમજ એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જાેડાઈ છે.