દિલ્હી-

બિહારમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાની વચ્ચે બીજા એક મંત્રીનું મોત નીપજ્યું છે. નીતીશ કુમારની આગેવાનીવાળી સરકારના પંચાયત રાજ પ્રધાન કપિલ દેવ કામતનું નિધન થયું છે. તેમની થોડા સમયથી તબિયત ખરાબ હતી. કપિલદેવ કામત મધુબાની જિલ્લાના બાબુરાભી મત વિસ્તારના ધારાસભ્ય હતા. કામતની સારવાર પટના એઈમ્સમાં ચાલી રહી હતી.

મળતી માહિતી મુજબ કિડનીની બીમારીથી પીડિત કપિલ દેવ કામતને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. કોરોનામાં ચેપ લાગ્યાં બાદ તેમને સારવાર માટે એઈમ્સ પટણામાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે બપોરે 1.30 વાગ્યે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નજીકના ગણાતા કપિલ દેવ કામત વેન્ટિલેટર પર હતા.

મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમની સરકારના પ્રધાન કામતનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ નીતિશે પોતાના શોક સંદેશમાં કપિલ દેવ કામતને નેતા અને જમીન સાથે જોડાયેલા કુશળ એડમિનિસ્ટ્રેટર ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમના અવસાનથી હું અંગત રીતે દુ:ખી છું. પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપવા પ્રાર્થના કરતાં તેમણે કહ્યું કે કામતનો અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.