લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, ડિસેમ્બર 2025 |
ભાવનગર |
3267
૬૬૦ કેદીની ક્ષમતા
ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ ગામ નજીક નવી અને આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા જેલનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. વર્ષ 2018થી શરૂ થયેલું આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાલ લગભગ 90 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી માર્ચ 2026 સુધીમાં જેલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જવાની શક્યતા છે. અંદાજે 40 એકર (100 વીઘા) જમીનમાં 90 કરોડ રૂપિયાના ખર્ચે આ ભવ્ય જિલ્લા જેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.વરતેજ નજીક આવેલા ફરિયાદકા ગામ પાસે બની રહેલી આ જિલ્લા જેલનું કામ કુલ ચાર ફેઝમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાંથી ત્રણ ફેઝનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે ચોથા ફેઝનું કામ પણ લગભગ 90 ટકા જેટલું પૂર્ણ થયું છે. જેલમાં આધુનિક સુરક્ષા વ્યવસ્થા સાથે કેદીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.જેલમાં કુલ 660 કેદીઓને રાખવાની ક્ષમતા રહેશે. પુરૂષ કેદીઓ માટે 5 યાર્ડ અને મહિલા કેદીઓ માટે અલગથી 1 યાર્ડ બનાવવામાં આવ્યો છે. કુલ 30 બેરેક તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં દરેક બેરેકમાં 20 કેદીઓને રાખી શકાય તેવી વ્યવસ્થા રહેશે. મહિલા કેદીઓ માટે બનાવાયેલા યાર્ડમાં 2 બેરેક હશે, જેમાં કુલ 40 કેદીઓ રાખી શકાશે. ઉપરાંત, 20 કેદીઓ માટે વિશેષ હાર્ડકોર બેરેકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.નવી જિલ્લા જેલ શરૂ થતાં ભાવનગર જિલ્લાના જેલ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે અને કેદીઓ માટે વધુ સુરક્ષિત તથા સુવિધાસભર માહોલ ઉપલબ્ધ બનશે.