05, જુલાઈ 2025
પાલિતાણાના |
2376 |
શ્વાને માતા અને તેના બે પુત્રો પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી
પાલિતાણાના વાળુકડ ગામે વાડી વિસ્તારમાં રખડતા શ્વાને માતા અને તેના બે પુત્રો પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં એક બાળકનું મોત થયું છે. જ્યારે માતા અને અન્ય એક પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પાલિતાણા તાલુકાના વાળુકડ ગામના વાડી વિસ્તારમાં ભરતભાઈ ધામેલીયાની વાડી ભાગીદારીમાં રાખી ખેતમજુરી કામ કરતા મુકેશભાઈ સુખરામભાઈ રાઠવા (હાલ રહે.વાળુકડ વાડી વિસ્તાર, મુળ રહે.ક્વાંટ, છોટા ઉદેપુર)ના પત્નિ આશાબેન તથા બે પુત્રો ખુશાલભાઈ (ઉ.વ.૪) અને રશ્મીકભાઈ વાડીએ હતા ત્યારે તેમના પર આજે સવારે ૯ કલાકના અરસામાં રખડતા શ્વાને હુમલો કર્યો હતો. જેમને સારવાર માટે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ખુશાલભાઈ મુકેશભાઈ રાઠવાનું મોત નિપજ્યું હતું. જ્યારે આશાબેન અને રશ્મીકભાઈને શ્વાન કરડી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. પંથકમાં રખડતા કુતરાના હુમલાઓની વધતી ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. જ્યારે આ મુદ્દે પાલિતાણા ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગની કાર્યવાહી હાથ ધરી છે.