28, જુલાઈ 2025
3465 |
મુંબઈ, ટાટા કન્સલટન્સી સર્વિસ (ટીસીએસ) દુનિયાભરમાં ૧૨,૦૦૦ કર્મચારીઓને છૂટા કરી રહી છે. કંપનીના ૨ ટકા કર્મચારીઓનો તેમાં સમાવેશ થાય છે. આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું લેઓફ કહેવામાં આવી રહ્યું છે. આ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જવાબદાર હોવાનું કહેવાઇ રહ્યું હતું, પરંતુ કંપની દ્વારા ચોખવટ કરવામાં આવી છે કે એને એઆઇ સાથે કોઈ લેવા-દેવા નથી. ટીસીએસના સીઇઓ કે. ક્રિતિવાસને હાલમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને જેટલી પણ ચર્ચા હતી, તે ફગાવી દીધી હતી.કંપની દ્વારા આ પગલું એટલા માટે ભરવામાં આવી રહ્યું છે કે કેટલાક કર્મચારીઓને સ્કિલને અનુરૂપ કામ આપવામાં આવ્યું નથી. આ વિશે કે. ક્રિતિવાસન કહે છે, ‘એઆઇના કારણે ૨૦ ટકા પ્રોડક્ટિવિટી વધી છે એટલા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું એવું નથી. તેમની સ્કિલ અનુસાર તેમને ખોટી જગ્યાએ પસંદ કરવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ તેમને જે-તે ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરી શકાય એ પણ શક્ય નથી.’આ લેઓફ વર્ષ ૨૦૨૬માં કરવામાં આવશે. એક વર્ષમાં ધીમે ધીમે દરેકને છૂટા કરાશે. તેમાં સિનિયર લેવલથી લઈને જુનિયર લેવલના કર્મચારીઓને અસર થશે. હાલ જે-તે કર્મચારી કોઈ પ્રોજેક્ટ પર રાખવામાં આવ્યા નથી, તેમને પણ છૂટા કરાશે. તેઓ ખોટી જગ્યાએ પસંદ કરવામાં આવ્યા છે. તેમજ હાલની પરિસ્થિતિ મુજબ તેમને જે-તે ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરી શકાય એ પણ શક્ય નથી.