30, જુલાઈ 2025
લંડન |
3168 |
પેલેસ્ટાઈનને અલગ દેશ તરીકે માન્યતા આપવાની તૈયારી
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે મંગળવારે જણાવ્યું હતું કે, જો ઈઝરાયલ ગાઝામાં યુદ્ધવિરામની દિશામાં પહેલ નહીં કરે તો બ્રિટન સપ્ટેમ્બરમાં યુએન મહાસભામાં પેલેસ્ટાઈનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સંબોધન આપતાં હમાસને આદેશ આપ્યો છે કે, તે 7 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવેલા તમામ ઈઝરાયલી બંધકોને તાત્કાલિક ધોરણે મુક્ત કરે. યુદ્ધવિરામ પર તાત્કાલિક ધોરણે સહમત થાય તેમજ હથિયારોનો ત્યાગ કરવા પ્રતિબદ્ધતા દર્શાવે.
કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું હંમેશા કહું છુ કે, અમે પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા ત્યારે જ આપીશું, જ્યારે બંને દેશ સમાધાન માટે અસરકારક નિર્ણય લે. તેઓ વાસ્તવમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં યોગદાન આપે. હવે જ્યારે બે રાષ્ટ્રના સિદ્ધાંતો પર જોખમ વધ્યું છે, ત્યારે સમય આવી ગયો છે કે, આપણે કાર્યવાહી કરવી જોઈએ. શાંતિની દિશામાં આ પ્રક્રિયા હેઠળ હું ખાતરી આપુ છું કે, જો ઈઝરાયલ સરકાર ગાઝામાં ભયાવહ સ્થિતિ દૂર કરવા નક્કર પગલાં નહીં લે અને યુદ્ધવિરામ પર સહમતિ નહીં દર્શાવે તો બ્રિટન સપ્ટેમ્બરમાં યુએન મહાસભામાં પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે.
બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું કે, તેમની અપીલમાં યુએનને ફરીથી સહાયતા પૂરી પાડવા મંજૂરી આપવાનો તેમજ પશ્ચિમી મટ પર કોઈ કબજો નહીં કરવાની બાબતો સમાવિષ્ટ છે. સપ્ટેમ્બરમાં અમે આંકલન કરીશું કે, બંને પક્ષોએ અમારી શરતોને પરિપૂર્ણ કરી છે કે નહીં. સોમવારે સ્કોટલેન્ડમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેનાથી ગાઝામાં માનવતાવાદી પુરવઠો ફરી શરૂ કરવાના મોટા પ્રયાસનો માર્ગ મોકળો થયો હતો.