ઓવલના પિચ ક્યૂરેટરે ફરી ગૌતમ ગંભીર સાથે  પંગો કર્યો
31, જુલાઈ 2025 લંડન   |   2673   |  

ક્યુરેટર લી ફોર્ટિસ અને ગંભીર વચ્ચે ફરી વિવાદ

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ફરી વિવાદ થયો છે. આ વખતે તેણે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પિચને લઈને દલીલ કરી, જ્યારે ગંભીર, શુભમન ગિલ, બેટિંગ કોચ સિતાશું કોટક અને ચીફ સિલેક્ટર અજીત અગરકર મેદાન પર ઉપસ્થિત હતા.

આ ઘટના બુધવારે જ્યારે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ સેશનમાં હતી ત્યારે બની હતી. ફોર્ટિસે સિતાશું કોટકને પિચથી થોડું દૂર ઊભા રહેવા કહ્યું. ભારતીય ટીમે કોઈ દલીલ વગર તેમની વાત માની લીધી. આ દરમિયાન, ગંભીરે પોતાની જગ્યા બદલી લીધી, પરંતુ તેમણે ફોર્ટિસને સંપૂર્ણપણે અવગણ્યો હતો.

એવું લાગતું હતું કે ફોર્ટિસ ત્યાં હાજર જ નથી. ફોર્ટિસની આ રીત અર્થહીન હતી, કારણ કે ગંભીર, અગરકર, કોટક અને કેપ્ટન ગિલ પહેલેથી જ પિચથી ખૂબ દૂર અને સ્પાઇક વગરના શૂઝ પહેરીને ઊભા હતા. સૂચના આપ્યા પછી ક્યુરેટર ત્યાંથી પાછા ફર્યા, જ્યારે ગિલ, ગંભીર, કોટક અને અગરકરે પોતાની વાતચીત ચાલુ રાખી. આ દરમિયાન શુભમન ગિલ પિચની સપાટી તપાસવા માટે નમીને તેને સ્પર્શ કરતા પણ જોવા મળ્યા. તેમજ ઓવલની આ પિચ પર સામાન્ય કરતાં વધારે ઘાસ દેખાઈ રહ્યું હતું.

અગાઉ મંગળવારે પણ ક્યુરેટર લી ફોર્ટિસ અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ફોર્ટિસે ભારતીય કોચિંગ સ્ટાફને મુખ્ય પિચ વિસ્તારથી 2.5 મીટર દૂર રહેવા કહ્યું હતું. આનાથી ભારતીય કેમ્પમાં નારાજગી ફેલાઈ અને ગંભીરને એવું કહેતા સાંભળવામાં આવ્યા કે 'તમે અમને એ કહી ન શકો કે અમારે શું કરવું છે... તમને કહેવાનો કોઈ હક નથી. તમે માત્ર એક ગ્રાઉન્ડ્સમેન છો, તેનાથી વધુ કશું નહીં.'

જોકે, આ વિવાદ થયો તે જ દિવસે જો રૂટ અને ઓલી પોપ જેવા સિનિયર ખેલાડીઓ મેચ પિચ પર ઊભા રહીને શેડો બેટિંગ કરતા જોવામાં આવ્યા હતા. આ પહેલા બૅન સ્ટોક્સ અને હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમ પણ ક્યુરેટરની હાજરીમાં પિચની આસપાસ ઊભા રહીને લાંબી વાતચીત કરતા હતા. તે સમયે કોઈને પણ પિચથી દૂર રહેવા માટે કોઈ સૂચના આપવામાં આવી ન હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution