વડોદરા, તા.૩૦

રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું.

છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા.

એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.