વડોદરા, તા.૫

સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ગ્રામ્યવિસ્તારોમાં કોરોનાના કેસ મક્કમ ગતિએ વધી રહ્યા છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં એકાએક ૧૮૧ નવા કેસ નોંધાતાં કુલ કોરોનાના કેસની સંખ્યા ૧૮૧ ઉપર પહોંચી છે. સાત માસના સમયગાળા દરમિયાન આ સૌથી વધુ ૧૮૧ દર્દીઓ નોંધાયા હતા. આજે નવા આવેલા ૧૮૧ કેસના પગલે આરોગ્ય તંત્ર ચોંકી ઊઠયું હતું અને શહેરમાં કોરોના નિરંકુશ બની રહ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. જાે કે, કોરોનાના કહેરને પહોંચી વળવા માટે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ થઈ છે અને શહેરના ૩૪ જેટલા અર્બન હેલ્થ સેન્ટરોમાં ધન્વંતરિ અને સંજીવની રથ દ્વારા સર્વે અને આરોગ્યલક્ષી કામગીરી કરાઈ રહી છે.

આજે કોરોનાના કેસમાં નવા ૧૮૧ કેસનો ઉછાળો આવતાં શહેરમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને ૭૩,૨૩૫ થઈ હતી. જેમાં ૫૯૩ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ હોવાનું જાણવા મળે છે. હોમ આઈસોલેશનમાં પ૧૧, વેન્ટિલેટર ઉપર ૪, ઓક્સિજન ઉપર ૩૪ અને ૭૩૬ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળેલ છે. આજે દિવસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના જેતલપુર, નવાપુરા, પુનિયાદ, કિશનવાડી, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, મકરપુરા, વડસર સહિતના વિસ્તારોમાં કોરોનાનો સર્વે હાથ ધરાયો હતો. જેમાં ૬૦૭૧ જેટલા સેમ્પલો ચકાસવામાં આવતાં ૧૮૧ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.

પાલિકાના રિપોર્ટના આધારે ચારેય ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૬૩, ઉત્તર ઝોનમાં ૪૫, દક્ષિણ ઝોનમાં ૨૮, પૂર્વ ઝોનમાં ૧૪ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૩૧ દર્દીઓ નોંધાયા હતા. જાે કે, કોરોનાનો મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો હતો.

હોમ આઈસોલેશન દર્દીઓ માટે સંજીવની ટીમો કાર્યરત કરાઈ

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી મ્યુનિ. કમિશનરની સૂચનાથી પાલિકાના હદ વિસ્તારોમાં ૬૮ જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ છે. જે હોમ આઈસોલેશનમાં રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ઘરે જઈને સારવાર આપી સારસંભાળ લેશે. પોઝિટિવ દર્દીઓની મુલાકાત લીધા પછી ભૂતકાળની પરંપરા મુજબ રોજબરોજ ત્યાર બાદ ટેલિફોનિક સલાહ-સૂચનો આપવામાં આવશે. એટલું જ નહીં, તાકીદે જરૂર ઊભા થશે તો તેવા કિસ્સામાં જરૂર પડયે વખતોવખત રૂબરૂ મુલાકાત લઈ સારસંભાળ લેવાશે. અત્યાર સુધી ૪૮૦ દર્દીઓને ઘરે જઈને સારસંભાળ લેવામાં આવી રહી છે. જેમ જેમ કેસોમાં વધારો થશે તેમ તેમ સંજીવની ટીમોમાં વધારો કરાશે તેમ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

વડોદરામાં કિશોર સહિત વધુ પાંચ ઓમિક્રોન પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા, તા.૫

વડોદરામાં કોરોનાના કેસો એકાએક વધવાની સાથે અમેરિકાથી આવેલ આધેડ, યુવતી સહિત વધુ પાંચનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાે કે, તેમના સંપર્કમાં આવેલા તમામનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પાંચ પૈકી પ૦ વર્ષના આધેડનો અમેરિકા જવા માટે ફરીથી ટેસ્ટ કરાયો હતો અને ગઈકાલે જ તેઓ અમેરિકા પાછા ગયા હતા.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાન કેસો ફરી એકવાર વધી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા હાલ રાત્રિ કરફયૂ સિવાય કોઈ કડક નિયંત્રણો લગાવ્યા નથી. ત્યારે કોરોનાની સાથે ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. વડોદરામાં આજે ઓમિક્રોનના વધુ પાંચ કેસ નોંધાયા હતા.

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કારેલીબાગ વિસ્તારના પ૦ વર્ષીય આધેડ તા.ર૦મી ડિસેમબરે અમેરિકાથી આવ્યા હતા. એરપોર્ટ પર તેમનો કોરોના ટેસ્ટ કરાયો ન હતો. પરંતુ તેમને કોરોનાના લક્ષણો જણાતાં તા.ર૮મીએ તેમનો કોરોનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને હોમ આઈસોલેશન કરાયા હતા. જાે કે, તેમના સંપર્કમાં આવેલા પાંચ જણાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આધેડને અમેરિકા પરત જવાનું હોવાથી ફરી રિપોર્ટ કરાવે તેઓ ગઈકાલે અમેરિકા પરત ફર્યા હતા.

જ્યારે અમેરિકાથી આવેલી ર૩ વર્ષીય યુવતીનો કોવિડ ટેસ્ટ કરાયો હતો, જે તા.ર૮મીએ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેણીની હોમ આઈસોલેશન હેઠળ છે અને તેણીના સંપર્કમાં આવેલા ૮ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં ધરાવતા ગોત્રી વિસ્તારનો ૯ વર્ષીય કિશોરનો ટ્રાવેલ્સ માટે રિપોર્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. જાે કે, તેના સંપર્કમાં આવેલ બે વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જ્યારે કોલકાતાના પ્રવાસેથી પરત આવેલા દિવાળીપુરા વિસ્તારના ૬૩ વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ તા.ર૪મી ડિસેમ્બરે પોઝિટિવ આવ્યો હતો. તેઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલ ૪ વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ, વડોદરામાં અત્યાર સુધી ઓમિક્રોન પોઝિટિવ ૩૦ કેસ નોંધાયા છે. જાે કે, મોટાભાગના દર્દીઓને રજા આપવામાં આવી છે.