05, જુલાઈ 2025
1881 |
સુરત, વહિવટીતંત્ર સર્જિત ખાડીપૂરનું સંકટ ટાળવા માટે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મંત્રીઓ, ધારાસભ્યો તેમજ વિવિધ સરકારી વિભાગોનાં અધિકારીઓ વચ્ચે ત્રણ કલાક સુધી મનોમંથન કરવામાં આવ્યાં બાદ હાઇપાવર કમિટીનું ગઠન કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. શહેર ફરતેનાં વિસ્તારોમાં જળાશયો બનાવવા તેમજ વિવિધ ખાડીને ડાયવર્ટ કરવાનાં સુચનો કરવામાં આવ્યાં હતાં. ૯૦ મીટરનાં આઉટર રિંગરોડની પેરેલલ સ્ટોર્મલાઇન નાંખીને ખાડીઓનાં પાણી શહેર બહારથી જ ડાયવર્ટ કરવાનું સુચન મહાનગર પાલિકા તરફથી આપવામાં આવ્યું હતું. બીજીતરફ સિંચાઇ વિભાગનાં અધિકારીએ આપેલાં પ્રેઝન્ટેશનમાં પાણીનાં વહેણ પૂરી દેવાયાં હોવાનો તેમજ ખાડીઓની આસપાસનાં વરાછા, સરથાણા, લિંબાયત સહિતનાં વિસ્તારમાં દબાણો હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને મંદિર સહિતનાં દબાણો પણ ફોટો પ્રેઝન્ટેશનમાં બતાવ્યાં હતાં. મીટિંગમાં ટૂંકાગાળાનાં પગલાં તરીકે ખાડીઓમાં ડ્રેજિંગ, ખાડી પરનાં દબાણો દૂર કરવા અને ખાડીની નિયમિત સફાઈ કરવી તેમજ લાંબાગાળાનાં પગલાં તરીકે ખાડીને શહેર બહારથી જ ડાયવર્ટ કરવાનું સૂચન કરાયું હતું. કેન્દ્રીય મંત્રી સીઆર પાટિલની અધ્યક્ષતામાં મળેલી હાઇલેવલ મીટિંગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ તેમજ ધારાસભ્યો સંદિપ દેસાઇ, પૂર્ણેશ મોદી સહિતનાં નેતાઓ અને વિવિધ સરકારી વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સિંચાઇ વિભાગનાં અધિકારીએ સણિયા હેમાદ વિસ્તારમાં ત્રણથી ચાર જળાશયો બનાવવાનું સુચન કર્યું હતું અને કુંભારિયાવિસ્તારમાં ખાડી ઉપર બંધાયેલાં મંદિર, મિલેનિયમ-૪ માર્કેટનાં દબાણો સહિત અન્ય દબાણોનો મુદ્દો પ્રસ્તુત કરીને ખાડી કેટલાક સ્થળે સાંકડી થઇ ગઇ હોવાથી ખાડીપૂર આવતું હોવાનું જણાવ્યું હતું. બારડોલી તાલુકાના હરિપુરા ખાતે ઉદ્દભવતી ભામૈયા કડોદરા ખાડી અને શાામપુરા ખાતેથી ઉદ્દભવતી દેલાડ જાેખા કોસમાડી ખાડીના પાણી સુરત શહેરમાં આવે છે. આ ખાડીઓની ક્ષમતા ઓછી થવાના કારણે, ડ્રેનેજની જગ્યામાં બાંધકામ થવાથી, વિવિધ સોસાયટીઓની કમ્પાઉન્ડ વોલ કે પાણીના વહેણ અવરોધવાના કારણે પાણીનો ભરાવો થાય છે. જેના ઉકેલ માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ખાડીઓના પાણી ડાયવર્ટ કરી, તાપીમાં લઈ જવા ઉપરાંત ખાડીઓના પટ વિસ્તારમાં આવતા તળાવો ઉંડા કરવા સહિતની બાબતોને ધ્યાને લઈને સર્વે, આયોજન અંગે પદાધિકારી-અધિકારીઓની સાથે મંત્રીએ ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જ્યાં ખાડીની પહોળાઈ ઓછી થઈ હોય, ઉપરાંત સર્વે કરી સિંચાઈ અને ડ્રેનેજ વિભાગ, મીઠી ખાડી અને કાકરા ખાડીનું ડીસિલ્ટીગ કરવા જણાવી, ખાડીને અડીને આવેલા હયાત બાંધકામોનો સર્વે કરાવી, વરસાદી પાણીના નિકાલ માટે નડતરરૂપ બાંધકામો દૂર કરવા મહાનગરપાલિકાને સૂચના આપી હતી.
મેટ્રોરેલનાં અધિકારીઓને સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીએ આડેહાથ લીધાં
શહેરમાં મેટ્રોરેલનું કામકાજ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે અને મનફાવે તેમ બેરિકેડ લગાવીને વાહનચાલકોને તો મુશ્કેલી ઉભી કરવામાં આવી જ છે પરંતુ બેરિકેડિંગને લીધે વરસાદી પાણીનો ભરાવો થતો હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલે આજે મેટ્રોરેલનાં અધિકારીઓને આડેહાથ લીધાં હતાં. રસ્તાની એકતરફનાં દુકાનદારોને વળતર આપવામાં આવે છે અને બીજીતરફનાં દુકાનદારોને વળતરરૂપે ભાડું નથી ચૂકવાતું તે નહીં ચાલે તેમ મંત્રીએ જણાવ્યું હતું. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેરિકેડિંગ બાબતે મેટ્રોરેલનાં અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું હતું કે, જ્યારે જરૂર હોય ત્યારે જ બેરિકેડિંગ કરો, બે-ચાર મહિના પહેલાથી બેરિકેડિંગ કરી દેવાથી વાહનચાલકો ત્રાસી જાય છે. બેરિકેડિંગને કારણે પાણીનો ભરાવો થતો હોવાથી વેપારીઓનો ધંધો બંધ થઇ જતો હોવાનો મુદ્દો ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉઠાવ્યો હતો.
ખરાબ રસ્તા બાબતે મહાનગરપાલિકા કમિશનરને પણ સુચના અપાઇ
પહેલાં ચોમાસામાં જ શહેરભરનાં રસ્તાઓ બિસ્માર બની ગયાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કોન્ટ્રાક્ટરો અને મહાનગર પાલિકાનાં અધિકારીઓની મિલિભગતને કારણે જ રસ્તાની ગુણવત્તા બગડી ગઇ હોવાથી રસ્તાઓ તૂટી ગયાં છે. આજની ઉચ્ચસ્તરીય બેઠકમાં બિસ્માર રસ્તાઓનો મુદ્દો પણ ઉઠતાં મંત્રીએ મહાનગર પાલિકાનાં કમિશનરને શહેરનાં તમામ વિસ્તારોનાં રસ્તાઓ તાકિદે રીપેર કરવાની સુચના આપી હતી.