વડોદરા, તા.૧૩

શહેરમાં રખડતી ગાયોના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પાલિકા દ્વારા આર્થિક સહાયના ભાગરૂપે વળતર ચૂકવવા, ઉપરાંત પશુપાલકો સાથે ચર્ચા વિચારણા કરી લાંબાગાળાનું આયોજન કરવાની માગ કરી હતી. કોંગ્રેસના કાઉન્સિલરોએ આજે વિદ્યાર્થીના ઘરે જઈને તેની મુલાકાત લીધી હતી.

પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતાએ મેયર, મ્યુનિ. કમિશનરને પત્ર લખી જણાવ્યું હતું કે, શહેરના દરેક વિસ્તારમાં ગાયો રખડતી જાેવા મળે છે. ઘણી વખત ગાયો અને રખડતા ઢોરોના કારણે અકસ્માત થવાના કારણે નાગરિકોના હાથ-પગ તૂટે છે. રાત્રિના સમયે શહેરમાં ગાયોના ટોળાં બેસી રહેતાં હોય છે અને ત્યાંથી નીકળવું પણ ભારે પડી જાય છે. અમુક જગ્યા એવી છે કે ગાયો પકડવા માટે પાલિકાના સિકયુરિટીના માણસો જાય તો એમને પણ ભાગવું પડે છે. લોકોને ગાયો અને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવા કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ આ ત્રાસમાંથી મુક્તિ મળતી નથી અને દિવસે ને દિવસે ઢોરોના ત્રાસને કારણે અકસ્માતો વધતા જાય છે.

ગત બુધવારે એમ.એસ.યુનિ.ની પોલિટેકનિક કોલેજમાં પ્રથમ વર્ષ ડિપ્લોમા અભ્યાસ કરતો હેનિલ પટેલ સાંજના સમયે એક્ટિવા લઈને જતો હતો ત્યારે વાઘોડિયા રોડ પર ગોવર્ધન ટાઉનશિપ પાસે રસ્તે રખડતી ગાયે વિદ્યાર્થીને અડફેટે લેતાં આંખમાં ગાયનું શિંગડું વાગતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. ત્યાર બાદ તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આંખમાં થયેલ ઈજાને કારણે વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. જેથી આ વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે વળતર મળવું જાેઈએ.

મેયરે કહ્યું હતું કે ૧પ દિવસમાં શહેરને ઢોરમુક્ત કરીશું એવી જાહેરાત કરેલી, ત્યાર પછી ઝુંબેશરૂપે ઢોરપાર્ટી દ્વારા ર૦૦૦થી પણ વધુ પશુઓને પકડીને પાંજરાપોળમાં મુકયા હતા. જેમાં પશુપાલકો અને ઢોરપાર્ટીના કર્મચારીઓનું ઘર્ષણ થયું હતું. ઢોરપાર્ટી જ્યારે ઢોર પકડવા જાય છે ત્યારે પશુપાલકો થકી થતી દોડભાગથી અકસ્માતની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. આ બધા ક્ષણિક નિર્ણયોથી રખડતા પશુઓનું કોઈ સમાધાન ન થયું, માત્રે પાલિકાને કરોડો રૂપિયાનો વ્યય થયો. ત્યારે તમામ પશુપાલકો સાથે ચર્ચા વિચારણા કરી એક લાંબાગાળાનું આયોજન થાય જેથી કરીને ભવિષ્યમાં પશુપાલકો સાથે ઘર્ષણનું નિર્માણ ન થાય. પશુપાલકોને સારી સગવડ મળે અને નાગરિકો રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ થાય. આજે પૂર્વ વિપક્ષના નેતા અને સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પુષ્પાબેન વાઘેલા, અલકાબેન પટેલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના ઘરે જઈને તેની મુલાકાત લીધી હતી.