24, માર્ચ 2021
6039 |
ગાંધીનગર, રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓના છઠ્ઠા અને સાતમા પગાર પંચના પડતર પ્રશ્નો અને માંગણીઓ પૈકી વય નિવૃત્તિની મર્યાદા ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરવાની દરખાસ્ત સરકાર કક્ષાએ પડતર પડી છે. જેથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરીને આ મુદ્દે વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. હાલમાં રાજ્ય સરકારમાંથી ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ વય નિવૃત્ત થઇ રહ્યા છે, ત્યારે કર્મચારીઓના છઠ્ઠા સાતમા પગાર પંચના પડતર પ્રશ્નોની માંગણીઓ પૈકીની એક એવી વય નિવૃત્તિની મર્યાદાને ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષની કરવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારમાં હાલમાં પડતર છે. આ માંગણી અંગે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે ફાઇલમાં પ્રગતિ થતી હોવા છતાં તેનું કોઈ નક્કર પરિણામ આવતું નથી. જયારે બીજી તરફ રાજ્યમાં હાલની કોરોના મહામારીને જાેતા સરકાર દ્વારા નવી ભરતી પણ સમયસર કરવામાં આવી શકતી નથી.