લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જાન્યુઆરી 2026 |
1980
બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઈકબાલગઢ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. બેફામ ગતિએ દોડતી અને રોંગ સાઈડમાં આવતી ટ્રકે ઈનોવા કારને ટક્કર મારતા કારમાં સવાર ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજતાં પંથકમાં અરેરાટી મચી ગઈ છે. જ્યારે અન્ય ૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે જેસીબીની મદદ લઈ કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અમીરગઢ પોલીસે આ મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, અમીરગઢના ઈકબાલગઢ હાઈવે પરથી પસાર થતી ઈનોવા કારને સામેથી કાળ બનીને રોંગ સાઈડ આવતી ટ્રકે અડફેટે લીધી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર પાંચ લોકોનાં સ્થળ પર જ શ્વાસ થંભી ગયા હતા. અકસ્માત થતાં રસ્તે પસાર થતાં લોકો અને દોડી આવ્યા હતા અને અમીરગઢ પોલીસ, એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય ૩ વ્યક્તિઓને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો હાઈવે પર પહોંચી ગયો હતો. હાઈવે પર ટ્રાફિકને પણ પૂર્વવત્ કરી દેવાયો છે.