સુરત-

પબ્જી ગેમ તરફ વળી રહેલી આજની યુવા પેઢી કઈ હદ સુધી જઈ રહી છે તેનો કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે. લિંબાયત વિસ્તારમાં રહેતા એક પિતા પર પુત્રએ પબ્જી ગેમ રમવા રૂપિયા માંગ્યા હતા. રૂપિયા નહિ આપતા પુત્રએ ચપ્પુ વડે પિતા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેથી નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત પિતાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટના અંગે લિંબાયત પોલીસે પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્રની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.

મોબાઇલમાં રિચાર્જ પૂરું થઇ જવાના કારણે પિતા પાસે રૂપિયાની માંગણી કરી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈલાલ કારાભાઈ માળી પર તેના જ સગા નાના પુત્ર દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ સાંજના આઠ વાગ્યાના સમય દરમિયાન પિતા ભાઈલાલ માળી પોતાના ઘરે હતા. દરમિયાન પુત્ર ઉમેશ દ્વારા પબ્જી ગેમ રમવા માટે રૂપિયા 500ની માંગણી કરવામાં આવી હતી. મોબાઇલમાં રિચાર્જ પૂરું થઇ જવાના કારણે પબ્જી ગેમ રમવા માટે ઉત્સુક ઉમેશ દ્વારા રિચાર્જ કરવા વારંવાર રૂપિયા માટે પિતા પાસે આજીજી કરી હતી.

જાતે રૂપિયા કમાવી રિચાર્જ કરાવવાનું રહેતા પુત્રએ પિતાને ચપ્પુના ઘા માર્યા હતા. પિતાએ જાતે રૂપિયા કમાવી લઈ રિચાર્જ કરાવી લેવા કહેતા પુત્ર ઉમેશ ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાયેલા પુત્ર ઉમેશ દ્વારા ક્યાંકથી તિક્ષ્‍ણ ચપ્પુ લાવી પિતા પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. હુમલાની ઘટના બાદ પુત્ર ઉમેશ ફરાર થઇ ગયો હતો. બાદમાં મોટો પુત્ર ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે લિંબાયતની ખાનગી હોસ્પિટલમાં ગઈ ગયો હતો. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ પણ પહોંચી હતી અને પિતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ઘટના અંગે લિંબાયત પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર પુત્રની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.