અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને છેલ્લા થોડા દિવસોથી રોજ નવી ટોચ બનાવી રહ્યા છે. આ દરમિયાન આજે એનસીપી પ્રમુખ જયંત બોસ્કીએ મુખ્યમંત્રીને પત્ર લખીને લોકડાઉન એક માત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું હતું. જયંત બોસ્કીએ વધતા કોરોના કેસને લઈ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં તેણે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઇંજેક્શન પણ ન મળતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે વધતા સંક્રમણને કાબુમાં લેવા રાજ્યમાં લોકડાઉન લગાવી દેવુ જોઈએ તેવી પણ રજૂઆત કરી છે. કોરોના સંક્રમણથી થતાં મૃત્યુ માટે તમણે સરકારને જવાબદાર ગણાવી હતી.


રાજ્યમાં કોરોના વાયરસ ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે.