11, ડિસેમ્બર 2024
792 |
મુંબઇ:મૂળ ગુજરાતના અને છેલ્લા ઘણા સમયથી મુંબઇમાં રહેતા પ્રસિદ્ધ સંગીતકાર પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું ૯૦ વર્ષની જૈફ વયે નિધન થયું છે. જેના પગલે ગુજરાત સહિત મુંબઇના કલાજગરમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી કાવ્યના સ્વરકાર અને ગાયક હતા.
પુરુષોત્તમ ઉપાધ્યાયએ ૩૦ ફિલ્મો અને ૩૦થી વધુ નાટકોમાં સંગીત આપ્યું છે. તેમણે કરેલા ગુજરાતી ગીતોના સ્વરાંકન ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં રણઝણે છે. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર જેવા આલા દરજ્જાના ગાયકો પાસે તેમણે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.
પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ૧૫ ઑગસ્ટ, ૧૯૩૪ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો. તેમને ૨૦૧૭માં પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા. તેમજ ગુજરાત સરકાર દ્વારા તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનીત કરાયા હતા. તેઓ ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક અને સંગીતકાર હતા. નાનપણથી તેમને સંગીત સાંભળવાનો ખૂબ જ શોખ હતો.