વડોદરા, તા. ૨૭

સમગ્ર ગુજરાતની ગર્વમેન્ટ મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડનો મોટો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપીને સિક્યુરીટી એજન્સીના સંચાલક સાથે ૯.૭૬ લાખની ઠગાઈ કરનાર ભાજપાનો પુર્વ વિદ્યાર્થી નેતા હર્ષિલ લિંમ્બાચિયાની જામીન અરજી અદાલતે નામંજુર કરી હતી.

સમારોડ પર ચાણક્યપુરીમાં રહેતા દિપકકુમાર સતીષચંદ શર્મા છાણીરોડ પર સિધ્ધાર્થ એલીગન્સમાં ઇન્ડિયન આર્મર સર્વિસીસ નામથી સિક્યુરીટી એજન્સી ચલાવે છે. ગત ૨૦૧૯માં તેમનો મહાઠગ હર્ષિલ પ્રવિણ લિંબાચિયા (સિધ્ધાર્થ એવન્યુ,વડસર) સાથે પરિચય થતાં હર્ષિલે તેની જીએમઇઆરએસના સમગ્ર ગુજરાતના ડાયરેક્ટર સંજય શુક્લા સાથે સાથે ઓળખાણ છે તેમ કહી તેમને હોસ્પિટલમાં સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી અને કમિશન પેટે રોકડા ૧૧ લાખ લીધા હતા.

ત્યારબાદ હર્ષિલે વડોદરા, સોલા અમદાવાદ,ગાંધીનગર,ઘારપુર, પાટણ, વલસાડ, વડનગર, જુનાગઢ અને હિમ્મતનગરમાં ૪૭૦ ગાર્ડનો બોગસ ઓર્ડર આપતા હોઈ દિપકકુમારે ગાર્ડ માટે ડ્રેસ, બુટ, યુનિફોર્મની ખરીદી કરી હતી. દિપકકુમારે ગોત્રી હોસ્પિટલમાં જાતે તપાસ કરતા તેમને હર્ષિલના કૈાભાંડની જાણ થતાં તેમણે હર્ષિલનો ઉઘડો લીધો હતો જેમાં હર્ષિલે તેમને ૧૧ લાખમાંથી માત્ર ૭.૩૫ લાખ પરત આપ્યા હતા. હર્ષિલે કમિશનના ૩.૬૫ લાખ પરત નહી આપી તેમજ ખોટો ઓર્ડર આપીને ખરીદી કરાવીને ૯.૭૬ લાખનું નુકશાન કરાવી ઠગાઈ કરી હોવાની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં ધરપકડ બાદ જેલભેગા કરાયેલા હર્ષિલે જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી જેને કોર્ટે નામંજુર કરી હતી.