/
ઓસ્ટ્રેલિયાને ફટકો,વોર્નર નહીં રમે આગામી મેચ,સાથે આ ખેલાડીને પણ આરામ

સિડનીઃ  

ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત વિરુદ્ધ સીમિત ઓવરોની સિરીઝની બાકી મેચોમાંથી બહાર થઈ ગયો છે. રવિવારે સિડનીમાં બીજી વનડે દરમિયાન તેને ગ્રોઇનમાં ઈજાને કારણે મેદાન છોડી બહાર જવુ પડ્યું હતું.

34 વર્ષીય વોર્નર હવે બુધવારે રમાનારી ત્રીજી વનડે સિવાય ત્રણ મેચોની ટી20 સિરીઝમાં રમશે નહીં. તે ઘરે પરત ફર્યો છે, ત્યાં રિહેબ કરશે. માનવામાં આવી રહ્યું છે કે તે 17 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ સુધી ફિટ થઈ જશે.

ડેવિડ વોર્નર સિવાય પેટ કમિન્સને પણ ભારત વિરુદ્ધ બાકી એક વનડે અને ટી20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. વોર્નરના સ્થાને ડાર્સી શોર્ટને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટી20 સિરીઝની પ્રથમ મેચ 4 ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 6 અને 8 ડિસેમ્બરે રમાશે.

પેટ કમિન્સને કોઈ ઈજા નથી. તેને એડિલેડ ઓવલમાં રમાનાર ડે-નાઇટ ટેસ્ટ પહેલા આરામ આપવામાં આવ્યો છે. તે સતત રમી રહ્યો છે. તે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ આઈપીએલમાં રમ્યો હતો. તો ભારત સામે સિરીઝ જીત બાદ ટીમ મેનેજમેન્ટે કમિન્સને આરામ આપવાનો નિર્ણય લીધો ચે.

કોચ જસ્ટિન લેંગરે કહ્યુ, ટેસ્ટ સિરીઝ માટે પેટ કમિન્સ અને વોર્નર અમારી યોજનાઓ માટે મહત્વપૂર્ણ છે.

વોર્નરને ભારતીય ઈનિંગની ચોથી ઓવરમાં ડાઇવ કર્યા બાદ ઉઠવામાં મુશ્કેલી થઈ, ત્યારબાદ તે સિડની ક્રિકેટ મેદાનથી બહાર ગયો હતો. આ સીનિયર ખેલાડીને સ્કેન કરાવવા માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution