નવી દિલ્હીઃ

દિલ્હીની સરહદો પર ખેડૂતો નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવા 70 જેટલા દિવસોથી આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનના સમર્થનમાં હવે વિદેશી કલાકારો પણ ઉતરી આવ્યા છે. ગઈકાલે સિંગર રેહાના, પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગ, પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

વૈશ્વિક હસ્તીઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ દેશની અંદર પણ એક સુરમાં અવાજ ઉઠી રહ્યો છે કે આ મામલો પૂરી રીતે ભારતનો છે અને તેના પર માત્ર ભારતીયોને લોકોને જ બોલવાનો હક હોવો જોઈએ. આ વાતનું સમર્થન ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ કર્યુ છે.

સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું, ભારતના સાર્વભૌમત્વ સાથે સમજૂતી ન કરી શકાય. બહારના લોકો દર્શકો હોઇ શકે છે સ્પર્ધકો નહીં. ભારતીયો ભારતને જાણે છે અને તે માટે ફેંસલો લઇ શકે છે. આવો એક રાષ્ટ્રના રૂપમા એકજૂટ રહીએ.

વિદેશીઓ દ્વારા વિરોધ બાદ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, ભારતની સંસદે ચર્ચા કર્યા પછી કૃષિ ક્ષેત્રને લગતા સુધારાવાદી કાયદા પસાર કર્યા. આ સુધારાએ બજારમાં ખેડૂતોની પહોંચ વધારી અને ખેડૂતોને વધુ રાહત પૂરી પાડી છે. તેમના માટે આર્થિક અને પર્યાવરણીય રીતે ટકાઉ ખેતી માટેનો માર્ગ મોકળો કર્યો હતો.

ભારતના કેટલાક ભાગોમાં, ખેડુતોના ખૂબ નાના ભાગમાં આ સુધારાને લગતી કેટલીક સમસ્યાઓ છે. વિરોધીઓની ભાવનાઓને માન આપતા ભારત સરકારે તેમના પ્રતિનિધિઓ સાથે શ્રેણીબદ્ધ વાટાઘાટો શરૂ કરી છે. કેન્દ્રીય પ્રધાનો વાટાઘાટોનો ભાગ રહ્યા છે અને અગિયાર વખત વાટાઘાટો થઈ છે. સરકારે કાયદાઓનું પાલન કરવાની પણ ઓફર કરી છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, સ્વાર્થી જૂથોએ આ વિરોધ પ્રદર્શન અંગે તેમનો એજન્ડા અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે.