એડીલેડ  

ભારત પહેલી મેચમાં એડિલેડ ખાતે 244 રનમાં ઓલઆઉટ થયું છે. મહેમાન ટીમ માટે વિરાટ કોહલીએ 74, ચેતેશ્વર પૂજારાએ 43 અને અજિંક્ય રહાણેએ 42 રન કર્યા. જ્યારે કાંગારું માટે મિચેલ સ્ટાર્કે 4, પેટ કમિન્સે 3, જ્યારે જોશ હેઝલવુડ અને નેથન લાયને 1-1 વિકેટ લીધી છે. પ્રથમ દિવસે 233/6 કર્યા પછી બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ 11 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી.

મિચેલ સ્ટાર્કની બોલિંગમાં રિદ્ધિમાન સાહા કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 26 બોલમાં 9 રન કર્યા હતા. તે પહેલાં રવિચંદ્રન અશ્વિન પેટ કમિન્સની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. અશ્વિને 15 રન કર્યા હતા.


કોહલીની ટેસ્ટમાં 23મી ફિફટી, રહાણે સાથે 88 રનની ભાગીદારી કરી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 180 બોલમાં 8 ફોરની મદદથી 74 રનની શાનદાર ઇનિંગ્સ રમી છે. તેણે અને અજિંક્ય રહાણેએ ચોથી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી.કોહલી લાયનની બોલિંગમાં રહાણેની ભૂલના લીધે રનઆઉટ થયો. રહાણેએ લાયનનો બોલ મીડ-ઓફ પર મારીને દોડવા માટે 4-5 સ્ટેપ લીધા અને પછી રન માટે ના પાડી.તે પછી રન માટે દોડેલા કોહલી પાસે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર પરત ફરવાનો કોઈ ચાન્સ નહોતો. હેઝલવુડે બોલર લાયનને બોલ આપ્યો અને તેણે બેલ્સ ઉડાડીને કોહલીને આઉટ કર્યો. રહાણે ખોટા કોલ બદલ વિરાટની માફી માગી.

અજિંક્ય રહાણે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં LBW થયો હતો. તેણે 92 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 42 રન કર્યા હતા. તે પછી હનુમા વિહારી 16 રને હેઝલવુડની બોલિંગમાં LBW થયો હતો.

ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ વિદેશમાં ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ છે.