સુરત-

બે મહિનાની પ્રેક્ટિસ અને ૬૦ મિનિટમાં ૪૦ શોર્ટ ટાર્ગેટ પેપર પર શુટીંગ કરી ૪૦૦માંથી ૩૧૮નો સ્કોર લાવનાર સુરતની ૧૧ વર્ષની સિદ્ધિની અનોખી સિદ્ધિએ સુરતનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં પણ ૧૧ વર્ષની નિશાને બાજ સિદ્ધિએ સુરતનો ૨૨ વર્ષનો રેકોર્ડ તોડી યુથ કેટેગરીમાં સિલેક્ટ થઈ છે. હવે સુરતની સિદ્ધિ મુંબઈમાં આયોજિત એર પિસ્તોલ સ્પર્ધામાં રમવા જવાની તૈયારી કરી રહી છે. સિદ્ધિએ જણાવ્યું હતું કે, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવી સુરતનું નામ ઇન્ટરનેશન લેવલ પર લઈ જવાની ઈચ્છા છે એને હું એ પૂર્ણ કરીશ.

અમિષાબેન પટેલ (સિદ્ધિની માતા) એ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટમાં ક્વોલિફાઈડ થનાર સિદ્ધિએ સુરતનો ૨૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હોય હાલ એવું કહી શકાય છે. ૨૫ ફેબ્રુઆરીથી ૬ માર્ચ દરમિયાન અમદાવાદની મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ શુટીંગ કોમ્પિટિશનમાં સિદ્ધિએ માત્ર બે મહિનાની પ્રેક્ટિસ કરીને ભાગ લીધો હતો. ૧૦ મીટર એર પિસ્તોલમાં ૧૧ વર્ષની સિદ્ધિને ગન ચલાવતા જાેઈ તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ કોમ્પિટિશનમાં ગુજરાતના અલગ અલગ શહેર-જિલ્લાઓમાંથી લગભગ ૨૭૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.