બેંગ્લોર

ભારતીય ક્રિકેટરોની ફિટનેસ ટેસ્ટને લઈને મોટા સમાચાર આવ્યા છે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં આ અઠવાડિયે થયેલા બે કિમી રનિંગના ફિટનેસ ટેસ્ટમાં કુલ ૬ ખેલાડી ફેલ થયા છે. તેમા વિકેટ કિપર બેટ્‌સમેન સંજૂ સેમસન અને ઈશાન કિશન, નિતિશ રાણા, લેગ સ્પિનર રાહુલ તેવટિયા ઉપરાંત બે ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કોલ અને જયદેવ ઉનડકટ સામેલ છે. એક અંગ્રેજી અખબાર પ્રમાણે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ખેલાડીઓની ફિટનેસ ટેસ્ટ માટે એનસીએમાં નવા ટેસ્ટની શરૂઆત કરી છે. જેને આ ૬ ખેલાડી પાસ કરી શક્યા નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, નવો ટેસ્ટ હોવાને કારણે આ ખેલાડીઓને પોતાની ફિટનેસ સાબિત કરવા માટે બીજો મોકો આપવામાં આવશે.

બોર્ડ સાથે જોડાયેલા સુત્રોએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, જો આ ખેલાડીઓ બીજીવાર પણ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહે છે તો, ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ ટી-૨૦ અને ત્રણ વન ડેની સિરીઝ માટે તેમનું સિલેક્શન થવું અઘરૂ છે. આ પહેલા ૨૦૧૮માં પણ યો-યો ટેસ્ટમાં ફેલ થવાને કારણે સેમસન, મોહમ્મદ શમી અને અંબાતી રાયડૂને ઈંગ્લેન્ડ પ્રવાસ રમાનાર લિમિટેડ ઓવરની સિરીઝ માટે પસંદગી કરવામાં આવી નહોતી.

સૂત્રોએ જણાવ્યું કે, ઈંગ્લેન્ડ સામેની લિમિટિડ ઓવર સિરીઝ અને આ વર્ષના અંતમાં ભારતનાં રમાનાર ટી-૨૦ વર્લ્ડ કપને જોતા ૨૦થી વધુ ખેલાડીઓનો એનસીએમાં ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. તેમા યો-યો ઉપરાંત ૨કિમી રનિંગો ટેસ્ટ પણ સામેલ હતો. બેટ્‌સમેન, વિકેટકીપર અને સ્પિનર બોલરોએ બે કિમીની રનિંગ ૮ મિનિટ અને ૩૦ સેકન્ડમાં પૂરી કરવાની હતી, જ્યારે ફાસ્ટ બોલરોએ આ રનિંગ ૮ મિનિટ ૧૫ સેકંન્ડમાં પૂરી કરવાની હતી. પરંતુ ૬ ક્રિકેટરો આ નિયત સમય દરમનિયાન રનિંગ પુરી શક્યા નહોતા.

જ્યારે બોર્ડ સુત્રોને આ નવા ફિટનેસ ટેસ્ટની જરૂરિયાતને લઈને સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી ખેલાડીઓની ફિટનેસને લઈને ખુબ જ સતર્ક છે. આ નવા ફિટનેસ ટેસ્ટથી ખેલાડીની શારિરીક ફિટનેસનો યોગ્ય રીતે ખ્યાલ આવશે.