કુઆલાલંપુર

કોરોના રોગચાળાને કારણે અનેક વખત મુલતવી રાખવામાં આવેલી પુરુષોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટ હવે ઢાકામાં ૧-૯ ઓક્ટોબર સુધી રમાશે. એશિયન હોકી ફેડરેશન દ્વારા રોગચાળાને કારણે બે વખત પુરુષો અને મહિલા ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. એએચએફના ચીફ એક્ઝિક્યુટિવ તાયીબ ઇકરામે કહ્યું "રોગચાળાને લીધે વિશ્વવ્યાપી વિક્ષેપ વચ્ચે હોકીને પુનર્સ્થાપિત કરવાના અમારા મિશનના ભાગરૂપે મને એ જાણ કરીને આનંદ થાય છે કે હીરો મેનની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૧ આ વર્ષે ઓક્ટોબરમાં રમાશે."

તેમણે એક નિવેદનમાં કહ્યું "વાયરસ સામેના આપણા યુદ્ધમાં આ બીજી જીત છે. આ વિજય માટે હું એશિયન હોકી પરિવાર, બાંગ્લાદેશ હોકી ફેડરેશન અને વિશ્વના હોકી ઉત્સાહીઓને અભિનંદન આપું છું. ''

ઢાકામાં જાપાન, ભારત, પાકિસ્તાન, કોરિયા, મલેશિયા અને યજમાન બાંગ્લાદેશ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. પુરૂષોની ટૂર્નામેન્ટ અગાઉ ૧૧ થી ૧૯ માર્ચ દરમિયાન યોજાવાની હતી જ્યારે મહિલા ટૂર્નામેન્ટ ૩૧ માર્ચથી ૬ એપ્રિલ સુધી દક્ષિણ કોરિયામાં યોજાવાની હતી. આ બંને ટૂર્નામેન્ટ ગત વર્ષે યોજાવાની હતી જેને મુલતવી રાખવામાં આવી હતી.