શારજાહ 

મિતાલી રાજની આગેવાનીવાળી વેલોસિટી ટીમે બુધવારે મહિલા ટી20 ચેલેન્જમાં જીત સાથે શરૂઆત કરી છે. વેલોસિટીએ હરમનપ્રીતની કેપ્ટનશીપવાળી સુપરનોવાઝને પ્રથમ મેચમાં 5 વિકેટે હરાવી છે. વેલોસિટીની સોને લૂસને મેન ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી.

શારજાહના મેદાન પર વેલોસિટીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતાં સુપરનોવાઝે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. વેલોસિટીએ 19.5 ઓવરમાં 5 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. વેલોસિટી તરફથી સુષમા વર્માએ 33 બોલમાં 34 રનની ઈનિંગ્સ અને સુને લૂસે 21 બોલમાં 37 રનની અણનમ ઈનિંગ્સ સાથે ટીમને વિજય અપાવ્યો હતો. આ ઉપરાંત વેદા કૃષ્ણમૂર્તિએ 28 બોલમાં 29 રન બનાવ્યા હતા. સુપરનોવાઝની અયાબોંગા ખાગાએ 4 ઓવરમાં એક મેડન અને 27 રન આપી વેલોસિટીની બે વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત, રાધા યાદવ, પૂનમ યાદવ અને શશિકલાએ 1-1 વિકેટ લીધી હતી.

આ અગાઉ બેટિંગ કરતાં સુપરનોવાઝની ટીમ તરફથી અથાપથ્થુએ 44 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 31 રનની મોટી ઈનિંગ્સ રમી હતી. એસ. સિરીવર્દનેએ 18 રન બનાવ્યા હતા. વેલોસિટીની એક્તા બીષ્ટે સુંદર બોલિંગ કરતા 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જહાંઆરા આલમ અને કાસ્પેરેકે 2-2 વિકેટ લીધી હતી.