નવી દિલ્હી 

ભારતીય ટીમના પૂર્વ ટીમના ઓલરાઉન્ડર કીર્તિ આઝાદે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) માં સિલેક્ટરના પદ માટે અરજી કરી છે. 7 ટેસ્ટ સહિત 142 પ્રથમ શ્રેણી મેચ રમનાર આઝાદ રાજ્ય એકમમાં ભ્રષ્ટાચાર, પક્ષપાતી પસંદગી અને ઉંમરમાં છેતરપિંડીના મુદ્દાઓ ઉભા કરી અગાઉ ચર્ચામાં રહ્યા છે.

1983 માં ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમની સભ્ય રહી ચૂકેલી કીર્તિ આઝાદે જણાવ્યું હતું કે તેણે ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ વાસનની અધ્યક્ષતાવાળી રાજ્યની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) ને અરજી મોકલી છે.

61 વર્ષીય કીર્તિ આઝાદ 2000ના દાયકાની શરુઆતમાં રાષ્ટ્રીય સિલેક્ટર હતા. ત્યારે તેમણે ગૌતમ ગંભીર, શિખર ધવનને ભારતીય ટીમ માટે પસંદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમને નવા અધ્યક્ષ રોહન જેટલી સાથે કામ કરવામાં કોઈ સમસ્યા થશે નહીં. ઉલ્લેખનીય છે કે અરુણ જેટલી ડીડીસીએના અધ્યક્ષ હતા અને ત્યારે આઝાદને તેમની સાથે વિવાદ થયો હતો.