/
રહાણેની સદીએ અનેક રેકોર્ડ તોડ્યા,જુઓ કોની બરાબરી કરી અને કોનાથી આગળ નિકળ્યો

મેલબોર્ન 

ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના બીજા દિવસે કેપ્ટન અજિંક્ય રહાણેએ શાનદાર સદી ફટકારી છે. રહાણે 104 રન નોંધાવીને રમતમાં છે. જેની મદદથી ભારતે બીજા દિવસની રમતના અંતે પ્રથમ દિવસે પાંચ વિકેટે 277 રનનો સ્કોર નોંધાવીને 82 રનની સરસાઈ મેળવી હતી. જ્યારે રિશભ પંત 29 અને હનુમા વિહારી 21 રન નોંધાવીને આઉટ થયા હતા. રહાણે પોતાની 12મી ટેસ્ટ સદી ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂકવા ઉપરાંત કેટલાક રેકોર્ડ્સ પણ નોંધાયા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેઈને પણ એક રેકોર્ડ નોંધાવ્યો હતો.

અજિંક્ય રહાણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોક્સિંગ ડે ટેસ્ટમાં એકથી વધુ સદી નોંધાવનારો પ્રથમ વિદેશી ખેલાડી બન્યો છે. રહાણેએ અગાઉ 2014ના પ્રવાસ દરમિયાન પણ મેલબોર્નમાં સદી નોંધાવતા 147 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત રહાણે 72 વર્ષ બાદ મેલબોર્નમાં એકથી વધુ સદી નોંધાવનારો બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. અગાઉ વિનૂ માંકડ એવા એકમાત્ર બેટ્સમેન છે જેમણે મેલબોર્નમાં બે સદી ફટકારી હતી. તેમણે 1947-48ના પ્રવાસમાં બે સદી ફટકારી હતી.

અજિંક્ય રહાણેએ સદી સાથે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રહાણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સદી ફટકારનારો ભારતનો બીજો કેપ્ટન બન્યો છે. અગાઉ સચિન તેંડુલકરે કેપ્ટન તરીકે 1999ની બોક્સિંગ ડે ટેસ્ટમાં 116 રનની ઈનિંગ્સ રમી હતી. રહાણે 2004 બાદ મેલબોર્નમાં સદી ફટકારનારો પ્રથમ વિદેશી સુકાની બન્યો છે. 2004મા પાકિસ્તાનના મોહમ્મદ યુસુફે 111 રનની ઈનિંગ્સ રમી હતી.

મેલબોર્નમાં બીજા દિવસે ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ રેકોર્ડ્સ નોંધાવ્યા હતા તો યજમાન ટીમના કેપ્ટન ટિમ પેઈને પણ એક રેકોર્ડ નોંધાવ્યો હતો. ટિમ પેઈને રિશભ પંતનો કેચ કર્યો હતો તે સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 150 શિકાર પૂરા કર્યા હતા. આ સાથે જ તે ટેસ્ટમાં સૌથી ઝડપી 150 શિકાર કરનારો વિકેટકીપર બની ગયો છે. તેણે 33 ટેસ્ટમાં આ સિદ્ધિ નોંધાવી છે જ્યારે સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડીકોકે 34 ટેસ્ટમાં 150 શિકાર કર્યા હતા. 

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલર પેટ કમિન્સે ચેતેશ્વર પૂજારાને આઉટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરી હતી. પેટ કમિન્સ 300 આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપનારો ઓસ્ટ્રેલિયાનો 10મો બોલર બન્યો છે. બીજી તરફ મિચેલ સ્ટાર્કે પણ એક સિદ્ધિ નોંધાવી હતી. સ્ટાર્કે રિશભ પંતને ટિમ પેઈનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો અને આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 250 વિકેટ પૂરી કરી હતી. સ્ટાર્ક ટેસ્ટમાં 250 કે તેથી વધુ વિકેટ ઝડપનારો નવમો ઓસ્ટ્રેલિયન છે.  


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution