સિડની

ભારતીય ટીમનો સ્ટાર ઓપનર રોહિત શર્મા  મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની સાથે જોડાઇ ગયો છે. જ્યાં તેનુ સ્વાગત તાળીઓના ગડગડાટથી કરવામાં આવ્યું હતુ. BCCIએ આ વીડિયોને તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ  પર શેર કર્યો છે. જેમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ને ગળે લગાવતો જોવા મળે છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ 7, જાન્યુઆરીએ સિડનીમાં શરૂ થવાની છે. ભારતીય ટીમના ઓપનર મયંક અગ્રવાલનુ હાલમાં નબળું ફોર્મ જોતાં રોહિત શર્માની ત્રીજી મેચમાં રમવાની સંભાવના ઘણી વધારે છે. 

મયંક અંગે વર્તમાન સિરીઝમાં બેટિંગની વાત કરીએ તો તેણે અત્યાર સુધીની ચારેય ઇનિંગ્સમાં 17, 9, 0, 5 રન બનાવ્યા છે. મેલબોર્નમાં મયંક સાથે પૃથ્વી શોની જગ્યા લેનાર શુભમન ગીલે તકનો લાભ ઉઠાવ્યો અને 45 અને 35 રનની અણનમ દબાણ વિના બેટિંગ કરી સ્થાન મજબૂત બનાવી લીધુ છે. એડિલેડ ટેસ્ટમાં શૂન્ય અને ચાર રન જ કર્યા બાદ પૃથ્વીને મેલબોર્ન ટેસ્ટમાંથી બહાર કરી દેવાયો હતો. જ્યારે મેલબોર્નમાં શાનદાર રમત બાદ ગીલને કેપ્ટન અજિંક્ય રહાણે અને કોચ રવિ શાસ્ત્રી તરફથી પ્રશંસા મળી હતી.

સિડની ટેસ્ટ પહેલા અજિંક્ય રહાણેને ટીમમાં પસંદગી વિશે મૂંઝવણ રહેશે, ખાસ કરીને રોહિત શર્માની વાપસી બાદ ઇનિંગની શરૂઆત અંગે નિર્ણય લેવો પડશે. રોહિત શર્મા ગત વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ શ્રેણીમાં ઓપનર તરીકે એકદમ સફળ રહ્યો હતો. સાથે જ રોહિત સાથેની સમસ્યા એ છે કે તે હજી ઓસ્ટ્રેલિયામાં કોઇ પ્રકારની પ્રેક્ટિસ કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા આવ્યા બાદથી તે સિડનીમાં ક્વોરેંટાઇન હતો અને હવે તે ટીમ ઈન્ડિયા સાથે જોડાઇ ગયો છે. હવે ત્રીજી ટેસ્ટ શરૂ થવામાં માત્ર આઠ દિવસ બાકી છે. બંને ટીમો હાલમાં શ્રેણીમાં 1-1 થી બરાબરી પર છે.