રોટરડેમ,

ટોચના ક્રમાંકિત રશિયાના ડેનિલ મેદવેદેવને એબીએન એમરો વર્લ્ડ ટેનિસ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં દુસાન લાજોવિકે ૭-૬, ૬-૪થી હરાવીને ઉલટફેર કર્યો હતો. તે જ સમયે ત્રીજા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝવેરેવ પણ બીજા રાઉન્ડમાં પહોંચી શક્યો નહીં. મેદવેદેવે ૨૫ ભૂલો કરી હતી જ્યારે લાજોવિકે માત્ર ૧૨ ભૂલો કરી હતી. મેદવેદેવ ગયા મહિને ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો જ્યાં તેને નોવાક જોકોવિચએ હરાવ્યો હતો. સર્બિયાના લાજોવિચનો હવે મુકાબલો ક્રોએશિયાના બોર્ના કોરીચ સામે થશે. તે જ સમયે ઝવેરેવને એલેક્ઝાંડર બુબલિકે ૭-૫, ૬-૩ થી પરાજિત કર્યો. જે હવે ટોમી પોલ સામે ટકરાશે. 

 બીજા ક્રમાંકિત સ્ટેફોનોસ સીટિપાસે રસાકસી ભરેલી મેચમાં બેલારુસના ઇગોર ગેરાસિમોવને હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ રાઉન્ડમાં સીટીપાસે સીધા સેટમાં ૭-૬, ૭-૫થી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિશ્વના બીજા નંબરના રાફેલ નડાલને હરાવી લેનાર ગ્રીસના ૨૨ વર્ષીય સીટિપાસનો મુકાબલો હવે પછી આગળ ના રોઉન્ડમાં પોલેન્ડના હ્યુબર્ટ હરકાજ સામે થશે. જેણે એડ્રિયન મનારીનોને ૬-૩, ૭-૬ થી હરાવ્યો હતો. ચોથા ક્રમાંકિત આન્દ્રે રુબલેવે અમેરિકન ક્વોલિફાયર માર્કોસ ગિરોનને ૭-૬, ૬-૩ થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાં તેનો સામનો એન્ડી મરે સામે થશે. જોકે ત્રણ વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સ્ટેન વાવરિન્કા કેરેન ખાંચનોવ સામે ૪-૬, ૫-૭ થી હારી ગયો.