કોલંબો-

કોલંબોમાં રમાયેલી પ્રથમ ટી-20 માં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 28 રનથી હરાવીને શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 163-5 નો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 135-6 નો સ્કોર બનાવી શકી હતી. એડેન માર્કરમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્વિન્ટન ડી કોક (32 બોલમાં 36) અને રીઝા હેન્ડ્રિક્સ (30 બોલમાં 38) એ ટીમને શાનદાર શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 9.5 ઓવરમાં 73 રન બનાવ્યા હતા, પરંતુ 79 ના સ્કોર સુધી બંને ઓપનર આઉટ થઈ ગયા હતા. હેનરિચ ક્લાસેન પણ વધુ કંઈ કરી શક્યો નહીં અને માત્ર 2 રન બનાવીને આઉટ થયો. જોકે એડેન માર્કરમ અને ડેવિડ મિલર (15 બોલમાં 26 રન) એ 65 રનની નિર્ણાયક ભાગીદારી કરીને ટીમનો સ્કોર 150 ને પાર પહોંચાડ્યો.

અંતે ડ્વેન પ્રિટોરિસે 6 બોલમાં 10 રન ફટકારી ટીમના સ્કોરને 163-5 સુધી પહોંચાડ્યો. માર્કરમે (એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 33 બોલમાં 43 રન) પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી વનિંદુ હસરંગાએ 2 વિકેટ, દુશ્મન્થા ચમીરા, દસૂન શનાકા અને મહેશ થિક્ષણાએ એક -એક વિકેટ લીધી હતી.

શ્રીલંકા માટે 164 રનનો પીછો કરતા દિનેશ ચાંદીમલે શાનદાર અડધી સદી રમી હતી, પરંતુ ટીમનો મિડલ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો અને તેના કારણે લાંબી ભાગીદારી જોવા મળી ન હતી. દસૂન શનાકા (14 બોલમાં 16 રન) અને ચમેકા કરુણારત્ને (14 બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 22* રન) એ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પણ પોતાની ટીમને વિજય અપાવવામાં સફળ રહ્યા ન હતા. અંતે દિનેશ ચાંદીમલ 54 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 66 રન બનાવી રહ્યો હતો.

સાઉથ આફ્રિકા માટે એનરિક નોર્ટજે, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, ડ્વેન પ્રિટોરિયસ અને બોજોર્ન ફોર્ચ્યુને એક -એક વિકેટ લીધી હતી. આપને જણાવી દઈએ કે કેશવ મહારાજે ટી 20 માં પદાર્પણ કર્યું અને સાથે જ તેને તેની પહેલી જ મેચમાં પોતાની ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી. તેણે પોતાની ટી-20 કારકિર્દીના પ્રથમ બોલ પર વિકેટ પણ લીધી હતી.