દુબઇ 

IPLની 13મી સીઝનની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું છે. કોલકાતાએ રાજસ્થાનને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રાજસ્થાન 9 વિકેટે 137 રન જ કરી શક્યું હતું. રાજસ્થાનના 8 બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા. કોલકાતાની જીતના હીરો શિવમ માવી અને કમલેશ નાગરકોટી રહ્યા. બંનેએ 2-2 વિકેટ લીધી. રાજસ્થાનની આ સીઝનમાં પહેલી હાર છે. જ્યારે IPLમાં પહેલીવાર કોરોના નિયમ તૂટ્યો છે.

કોલકાતાની બેટિંગની ત્રીજી ઓવરમાં IPLમાં પહેલીવાર કોરોના નિયમ તૂટ્યો.રાજસ્થાનના ફિલ્ડર રોબિન ઉથપ્પાએ જયદેવ ઉનડકટની બોલિંગમાં સુનિલ નારાયણનો કેચ છોડ્યો. તે પછી તેણે ભૂલથી બોલ પર થૂંક લગાવી હતી. કોરોનાને કારણે ICCએ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દરેક ઇનિંગ્સમાં ટીમને 2 વાર થૂંક લગાવવા પર વોર્નિંગ આપવામાં આવે છે. ત્રીજી વાર ભૂલ થાય તો વિરોધી ટીમના ખાતામાં 5 રન ઉમેરવામાં આવે છે. ગઈ મેચનો હીરો રાહુલ તેવટિયા 10 બોલમાં 1 સિક્સની મદદથી 14 રન કરીને આઉટ થયો હતો. તેને વરુણ ચક્રવર્તીએ બોલ્ડ કર્યો હતો. 

રનચેઝમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. તેમણે 42 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટીવ સ્મિથ પેટ કમિન્સની બોલિંગમાં કીપર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 7 બોલમાં 3 રન કર્યા હતા. તે પછી સંજુ સેમસન પણ સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. તે 8 રને શિવમ માવીની બોલિંગમાં મીડ-વિકેટ પર નારાયણના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે જોસ બટલર માવીની બોલિંગમાં શોર્ટ થર્ડ મેન પર વરુણ ચક્રવર્તી દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 1 ફોર અને 2 સિક્સની મદદથી 21 રન કર્યા હતા.