મેલબોર્ન 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેલબર્નમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો બાઉન્સર વાગવાથી મેથ્યુ વેડનું હેલ્મેટ ડેમેજ થયું, જ્યારે વિકેટકીપર ઋષભ પંત અને વેડ વચ્ચે મેચમાં અનેકવાર જીભાજોડી થતી જોવા મળી હતી. એનાથી વેડ એટલો ગુસ્સે થયો કે તે પંત સામે ઘૂરવા લાગ્યો હતો. જોકે એ પછી પણ પંત અટક્યો નહીં અને અનેકવાર પરેશાન કરતો જોવા મળ્યો.

બીજી ઈનિંગની 35મી ઓવરનો ચોથો બોલ મેથ્યુ વેડના હેલ્મેટને વાગ્યો. આ બાઉન્સર બુમરાહે ફેંક્યો હતો. બોલ એટલો ફાસ્ટ હતો કે હેલ્મેટને નુકસાન થયું. જોકે એ પછી ઓસ્ટ્રેલિયન ટીમના ફિઝિયોએ તેનો કન્ક્શન ટેસ્ટ કર્યો. સારી વાત એ છે કે વેડને કોઈ ઈજા થઈ નહોતી અને તે એમાં પાસ થયો હતો. એ પછી વેડે હેલ્મેટ બદલ્યું અને રમવાનું ચાલુ રાખ્યું.


જ્યારે લંચ પછી બીજા સત્રમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંત અને વેડ વચ્ચે બોલાચાલી થતી જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયન ઈનિંગમાં 25મી ઓવરમાં વેડે બુમરાહના બોલને ડિફેન્સ કર્યો. એ પછી પંત વિકેટ પાછળથી વેડને કંઈક કહેતા નજરે પડ્યો. એ પછી વેડ તેને ઘૂરવા લાગ્યો હતો.

પંત મેચની પ્રથમ ઈનિંગમાં જ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પરેશાન કરતો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ સોમવારે 326 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા (પ્રથમ ઈનિંગ-195/10) પર પ્રથમ ઈનિંગમાં 131 રનની લીડ લીધી હતી.