એડિલેડઃ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગ માત્ર 36 રનમાં જ સમેટાઇ ગઇ હતી. શમી 1 રને રિટાયર્ડ હર્ટ થવાની સાથે ભારતીય ઈનિંગનો અંત આવ્યો હતો. જે ભારતનો ટેસ્ટ ક્રિકેટનો સૌથી ઓછો સ્કોર છે. ભારતનો એક પણ બેટ્સમેને ડબલ ફિગરમાં પહોંચી શક્યો નહોતો. નાઇટ વોચમેન બુમરાહની વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય બેટસમેનો પાણીમાં બેસી ગયા હતા. 

ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેને ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ભારતના કુલ ત્રણ બેટ્સમેન ગોલ્ડન ડક બન્યા હતા. ભારત તરફથી ઓપનર મયંક અગ્રવાલે સૌથી વધુ 9 રન બનાવ્યા હતા. હનુમા વિહારીએ 8 રન, પૃથ્વી શૉએ 4 રન, વિરાટ કોહલીએ 4 રન, સાહાએ 4 રન, ઉમેશ યાદવે 4 રન, બુમરાહે 2 રન બનાવ્યા હતા. શમી 1 રને રિટાયર્ડ હર્ટ થતાં ભારતની ઈનિંગનો અંત આવ્યો હતો. 

સ્પોર્ટ્સ વેબસાઇટ ક્રિકબઝ મુજબ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં કોઇ ટીમ ઓલઆઉટ થઈ હોય અને એક પણ ખેલાડી બે આંકડામાં પહોંચી શક્યો ન હોય તેવી માત્ર બીજી ઘટના નોંધાઈ હતી. 1924માં સાઉથ આફ્રિકા ઈંગ્લેન્ડ સામે 30 રનમા ઓલઆઉટ થયું હતું. આ મેચમાં 11 રન એકસ્ટ્રા હતા અને હાર્બી ટેલરે સર્વાધિક સાત રન બનાવ્યા હતા. 

2020માં આવી બીજી ઘટના નોંધાઈ હતી. ભારત ઓસ્ટ્રેલિયા સામે પિંક બોલ ટેસ્ટમાં 36 રનમાં ઓલઆઉટ થયું હતું અને મયંક અગ્રવાલે સર્વાધિક 9 રન બનાવ્યા હતા. ભારતનો કોઇ બેટ્સમેન બે આંકડામાં પહોંચી ન શકતા તેમની ટેકનિક પર સવાલ ઉભા થઈ રહ્યા છે.