લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ડિસેમ્બર 2025 |
અંકલેશ્વર |
4356
કોસમડી ગામ પાસેની ઘટના
અંકલેશ્વર–વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે (12 ડિસેમ્બર) સવારના સમયે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બંને વાહનમાં આગ ભભૂકી ઉઠતા ગંભીર દૃશ્યો સામે આવ્યા હતા. આ ઘટનામાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં અકસ્માતની વિકટતા સ્પષ્ટપણે જોવા મળે છે. ફૂટેજ અનુસાર શરૂઆતમાં બે ટુવ્હીલર વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ જાય છે. એટલામાં સામેથી એક ટ્રક આવે છે અને તેની પાછળ આવતી રિક્ષા અચાનક બ્રેક મારતા કાબૂ ગુમાવે છે. રિક્ષા પલટી મારી દૂર ફંગોળાઈ જાય છે, જ્યારે ટુવ્હીલર ચાલક પણ રોડ પર ગળોટીયું ખાઈને ફેંકાઈ જાય છે.આ જોરદાર અથડામણ બાદ થોડા જ ક્ષણોમાં બંને વાહનમાંથી ભયાનક આગ ભભૂકી ઉઠે છે, જેથી રિક્ષામાં સવાર મહિલાને બહાર નીકળવાની તક પણ મળી નથી. ઘટનાના પગલે સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.